જય વિરાણી, કેશોદ
રાજ્યની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. રાજ્યમાં સરપંચની ચૂંટણી માટે કુલ 31 હજાર 359 ફોર્મ ભરાયા છે. જ્યારે કે ગ્રામ પંચાયતના સભ્ય માટે 1 લાખ 16 હજાર 186 ફોર્મ ભરાયા છે . ત્યારે કેશોદ તાલુકાના ૩૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનાં અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો હતો.
કેશોદ તાલુકાનાં ૩૩ ગામોમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૨૦ ફોર્મ અને સભ્યો માટે ૪૯૦ ફોર્મ રજૂ થયેલાં હતાં. કેશોદ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ફોર્મ રદ્ થયેલાં હતાં ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ૮૨ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા હતાં.
કેશોદ તાલુકાનાં ઈન્દ્રાણા ગ્રામ પંચાયતનાં સરપંચ ધારાબેન અરજણભાઈ કરમટા ,બડોદર ગ્રામ પંચાયત નાં સરપંચ શારદાબેન દિલીપભાઈ સોલંકી, પાણખાણ ગ્રામ પંચાયતનાં સરપંચ હરસુરભાઈ જેસુરભાઈ ભુરાણી ,રેવદ્રા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોવિંદભાઈ રામસીભાઈ કચોટ ઉપરાંત મધ્ય સત્ર ચુંટણી માં ખીરસરા ગ્રામ પંચાયત નાં સરપંચ મીનાબેન મનહરભાઈ મારૂ સહિતના ૪૦ સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થતાં પાંચ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવ્યા છે.
કેશોદનાં બાલાગામ,પંચાળા,સુત્રેજ, મુળીયાસા, જોનપુર,ઈસરા, પીપળી,અગતરાય, હાંડલા,ચાદીગઢ, મોવાણા,નાની ઘંસારી, મોટી ઘંસારી,સીલોદર, ધ્રાબાવડ, કણેરી,પ્રાસલી,સરોડ,પાડોદર,અખોદડ, અજાબ, શેરગઢ, રંગપુર,મેસવાણ, કાલવાણી,કોયલાણા,એકલેરા,ગેલાણા સરપંચ અને સભ્યો માટેની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.કેશોદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ફુલગુલાબી ઠંડી વચ્ચે પ્રચાર પ્રસાર અભિયાન શરૂ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
મુખ્ય રાજકીય પક્ષોના હોદેદારો અને પદાધિકારીઓ ઉપરાંત ચુંટાયેલા પ્રતિનિધિઓ કેશોદ શહેરમાં વસવાટ કરતાં હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધું સંપર્કો ન ધરાવતાં હોય તેમજ દશેક માસ અગાઉ યોજાયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માં આપેલાં વચનો ને કારણે ઉમેદવારી પત્રો વધું પ્રમાણમાં રજૂ થયાનું જાણકારો નું માનવું છે.