રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ લોકસભા બેઠક ઉપર ત્રીજા રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવારોને લીડ: અમરેલી બેઠકમાં ભાજપના નારણ કાછડીયા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે કાંટે કી ટકકર
સૌરાષ્ટ્ર-કચ્છમાં કેસરીયો માહોલ છવાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક ઉપર ભાજપ આગળ રહ્યું છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં ત્રણ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છની રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને લીડ મળી હોવાનું જાહેર થયું છે. ઉપરાંત અમરેલી બેઠકમાં ભાજપના નારણ કાછડીયા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે કાંટે કી ટકકર જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોની મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શ‚ થઈ હતી. ત્યારબાદ પ્રથમ બે કલાકમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા હતા. આ દરમિયાન આઠેય બેઠકમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યાં છે. રાજકોટ બેઠકમાં ભાજપના મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના લલીતભાઈ કગથરા, જામનગર બેઠકમાં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા, ભાવનગર બેઠકમાં ભાજપના ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના મનહરભાઈ પટેલ, પોરબંદર બેઠકમાં ભાજપના રમેશભાઈ ધડુક અને કોંગ્રેસના લલીતભાઈ વસોયા, જૂનાગઢ બેઠકમાં ભાજપના રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસના પૂંજાભાઈ વંશ, અમરેલી બેઠકમાં ભાજપના નારણભાઈ કાછડીયા અને કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી, સુરેન્દ્રનગર બેઠકમાં ભાજપના ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને કોંગ્રેસના સોમાભાઈ ગાંડા તેમજ કચ્છ બેઠકમાં ભાજપના વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના નરેશભાઈ મહેશ્ર્વરી વચ્ચે જંગ છે.
સવારે ૧૦ વાગ્યા સુધીમાં મત ગણતરીના ૩ રાઉન્ડ પૂર્ણ થયા હતા. આ ત્રણ રાઉન્ડ દરમિયાન આઠેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ રહ્યાં છે. જો કે, સાત બેઠક ઉપર ભાજપના ઉમેદવારો પ્રથમ રાઉન્ડથી જ આગળ રહ્યાં હતા પરંતુ અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણી પ્રથમ રાઉન્ડમાં આગળ રહ્યાં હતા પરંતુ બીજા રાઉન્ડમાં તેઓ પાછળ રહ્યાં છે અને તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા હાલ આગળ લીડ કરી રહ્યાં છે.
હાલના ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે, સૌરાષ્ટ્રની આઠેય બેઠકો ઉપર કેસરીયો છવાઈ જવાનો છે. ત્રીજા રાઉન્ડ સુધી આઠેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને ત્રીજા રાઉન્ડમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ૫૫૦૦૦ જેટલા માતબર મતની લીડથી આગળ વધી રહ્યાં છે.