એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીના રોડ–શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જ સાથે રાખ્યા: સ્થાનીક એકપણ નેતાને સ્થાન નહી: ચિક્કાર જનમેદની મોદી–મોદીના નાદથી ગગન ગુંજ્યુ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષથી પણ વધુ સમય બાદ રાજકોટમાં રોડ-શો યોજ્યો હતો. રોડ-શો કેસરિયો રહ્યો હતો. ખુલ્લી શણગારેલી કેસરી જીપમાં મોદીએ રાજકોટવાસીઓનું અભિવાદન ઝીલ્યુ હતું. રાજકોટ તમામ રિતે સલામત હોવાનો એક લીટીમાં તેઓએ સંદેશ આપી દીધો હતો.
સામાન્ય રિતે રોડ-શોમાં ચાર-પાંચ ગાડીઓ હોય છે. પ્રથમ ગાડી પીએમ અને સીએમની હોય છે. બાકી અન્ય મંત્રીઓ, સંગઠનના હોદ્ેદારો સહિતના નેતાઓનો કાફલો જોવા મળતો હોય છે પરંતુ બુધવારે રાજકોટમાં યોજાયેલા વડાપ્રધાનના રોડ-શોમાં માત્ર પીએમ અને સીએમ સિવાય એકપણ મહાનુભાવોને સાથે રાખવામાં આવ્યા ન હતા. આશરે દોઢ કિલો મીટરના રૂટ પર પીએમનો ઉમળકાભેર આવકારવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ-શોનો સમય 5:00 વાગ્યાનો નિયત કરવામાં આવ્યો હતો.
ત્રણ કલાક અગાઉ જ રાજકોટવાસીઓ પોતાના લોકલાડીલા નેતાને આવકારવા ગોઠવાય ગયા હતા. નિર્ધારિત સમય કરતા પીએમ પોણો કલાક મોડા આવ્યા હતા. છતા લોકોમાં ઉત્સાહને રતિભાર પણ ઓટ આવી ન હતી. સ્થાનિક નેતાઓને સાથે રાખ્યા વિના માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ખૂલ્લી જીપમાં પોતાની સાથે રાખી વડાપ્રધાને એક સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે સુરક્ષા અને ચૂંટણીની દ્રષ્ટિએ રાજકોટ ભાજપ અને પોતાના માટે સંપૂર્ણ સલામત છે. રોડ-શો 45 મીનીટ ચાલ્યો હતો. જેમાં અલગ-અલગ સંસ્થા સમાજના લોકો દ્વારા પીએમનું અદકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે જામનગરમાં તાજેતરમાં યોજાયેલા રોડ-શોમાં પીએમ ખુદ લોકોને વચ્ચે ગયા હતા અને ભેટ સોગાદ સ્વીકારી હતી.
રાજકોટમાં તેઓએ આવુ કરવાનું ટાળ્યુ હતું. સળંગ રૂટ પર મોદી-મોદીના નાદથી સતત ગુંજતુ રહ્યું હતું. લોક લાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ રોડ-શોમાં ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગમાં રાજકોટવાસીઓએ પ્રધાનસેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા. જન જનના મુખે એક જ નામ “મોદીજી આપકા સ્વાગત હૈ…” સાંભળવા મળ્યું હતું. માર્ગમાં શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. 60 જેટલા ફલોટસ પરથી વિવિધ જ્ઞાતિના લોકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ તકે કાયદા વ્યવસ્થાને સુદ્રઢ કરી અને મહિલાઓને કાયદાની વિવિધ સુવિધાઓ અને ગુજરાતમાં કાયદા વ્યવસ્થાને મજબૂત કરી દીકરીઓને નિર્ભય જીવન દેવા બદલ રાજકોટના એડવોકેટ મહેશ્ર્વરી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો. ગોવિંદભાઈ દંતાણીએ સમગ્ર દેવીપુજક સમાજવતી પ્રધાનમંત્રી ના હર હાથ કો કામના વિચારની સફળતા દર્શાવી રોજગારીની તકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર રૂટ પર વિવિધ શાળાના બાળકો દ્વારા થયેલી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોને આકર્ષિત કર્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળના શિષ્યો દ્વારા વેદોચ્ચાર થકી વડાપ્રધાનને અનોખો આવકાર આપવામાં આવ્યો હતો. રાજકોટની જનતા દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને અબાલ-વૃદ્ધ સૌ રંગીલા રાજકોટીયનોએ વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિતજનોએ રાજકોટને સર્વ ક્ષેત્રે અગ્રીમ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.રોડ-શો પૂર્ણ કર્યા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રેસકોર્સ ખાતે સભા સ્થળે પહોંચ્યા ત્યારે લાખોની મેદનીએ મોદી-મોદીના ગગન ભેદી નારા સાથે વાતાવરણને ગુંજવી દીધું હતું.