- જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી: સૌરાષ્ટ્ર-કચ્છની મોટાભાગની નગરપાલિકાઓ પર ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે આગળ: જસદણ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર: જેતપુર નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપને જીતાડવાનું ધારાસભ્ય જયેશ રાદડિયાનું સપનું રોળી નાંખતા મતદારો
- કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની પકડ: ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ બરાબરી પર
- કુતિયાણા પાલિકાના વોર્ડ નં.3માં ઢેલીબેન ઓડેદરાની પેનલનો વિજય
ગુજરાતની જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચુંટણી માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી જ હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન યથાવત રહેવા પામ્યું છે. અનેક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ કરતા અપક્ષ કે અન્ય રાજકીય પાર્ટીને વધુ બેઠકો મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી નવો કિર્તીમાન રચી દીધો હતો. જો કે, લોકસભાની ચુંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આવતા વર્ષે અમદાવાદ સહિત રાજ્યની 6 મુખ્ય મહાનગરપાલિકા, નવરચિત 9 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને અનેક તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાવાની છે. તે પૂર્વે ગત રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન યોજાયું હતું. મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી રહેવાના કારણે તમામ રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઇ ગઇ હતી. આજે સવારથી તમામ 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદારોનો મિજાજ ભાજપ તરફી રહ્યો છે. જૂનાગઢમાં ભાજપ સત્તાનું પુનરાવર્તન કરવામાં સફળ રહ્યો છે. સતત બીજી વખત ભાજપ સત્તા સુખ હાંસલ કરવા તરફ આગળ ધપી રહ્યું છે. હાલ 60 પૈકી 28 બેઠકની ગણતરીમાં ભાજપ 27 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે એક બેઠક અપક્ષના ફાળે આવી છે. જૂનાગઢ મહાપાલિકાની ચુંટણીમાં સૌથી મોટો અપસેટ એ થયો છે કે ભાજપના કદાવર નેતા ગીરીશ કોટેચાના પુત્રનો અપક્ષ ઉમેદવાર સામે કારમો પરાજય થયો છે.
સૌરાષ્ટ્રની ચલાલા, બોટાદ, ધોરાજી, ગઢડા, ભાયાવદર, જામ જોધપુર, ભાણવડ, દ્વારકા, વંથલી, ઉપલેટા, લાઠી, કોડિનાર, રાપર, રાજુલા, જેતપુર સહિતની મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપ જીત તરફ આગળ ધપી રહ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડો.ભરત બોઘરાના હોમટાઉન એવા જસદણ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટી જોવા મળી રહી છે. જેતપુર નગરપાલિકાના તમામ વોર્ડની બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જીતશે તેવો દાવો પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, તેઓનો આ દાવો મતદારોએ ખોટો પાડ્યો છે. બે વોર્ડમાં અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભચાઉ નગરપાલિકાની તમામ બેઠકો ભાજપ અંકે કરી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપ બહુમતી હાંસલ કરે તેવા એંધાણ હાલ વર્તાઇ રહ્યા છે. તાલુકા પંચાયતની ચુંટણીના પરિણામો પર નજર કરવામાં આવે તો કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપની જોરદાર જીત થશે તેવું હાલ દેખાઇ રહ્યું છે. કાર્યકરો દ્વારા જીતની શાનદાર ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
જૂનાગઢમાં ગીરીશ કોટેચાનો વર્ચસ્વ તુટ્યું પુત્ર પાર્થની અપક્ષ ઉમેદવાર સામે કારમી હાર
જૂનાગઢ મહાનગરપાલિકામાં કદાવર નેતા ગીરીશ કોટેચાનું વર્ચસ્વ જાણે જમીનદોસ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકામાં ભાજપની સત્તા હોય કે કોંગ્રેસની ડેપ્યૂટી મેયર પદ હમેંશા ગીરીશ કોટેચા માટે અનામત રાખવામાં આવતું હોય તેવો સિનારિયા જોવા મળતો હતો. આ વખતે ભાજપે પૂર્વ ડેપ્યૂટી મેયર ગીરીશ કોટેચાના સ્થાને વોર્ડ નં.9માંથી તેના પુત્ર પાર્થ કોટેચાને કોર્પોરેશનની ટિકિટ આપી હતી. રાજકારણમાં પરિવાર વાદની ટીક્કા કરનાર ભાજપની બેવડી નીતિનો કાર્યકરોમાં પણ વિરોધ થઇ રહ્યો હતો. પિતાના મજબૂત રાજકીય બેકગ્રાઉન્ડ પર પુત્ર આસાનીથી કોર્પોરેશનની ચુંટણી જીતી જશે. તેવું ભાજપનું ગણિત જૂનાગઢના મતદારોએ ઉંધું વાળી દીધું છે. પાર્થ કોટેચાની વોર્ડ નં.9માં અપક્ષ ઉમેદવાર સામે હાર થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વોર્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રોસ વોટીંગ થયું હતું. જેના કારણે ત્રણ બેઠકો ભાજપના ફાળે આવી છે. જ્યારે ગીરીશ કોટેચાના વિરોધમાં
મતદાન થતા તેની હાર થઇ છે અને આ બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય બન્યા છે. છેલ્લા બે દાયકાથી જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં એક ચક્રિયા વર્ચસ્વ ધરાવતા ગીરીશ કોટેચાનું રાજકીય વજન જાણે સમાપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
- કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નગરપાલિકાની ચુંટણી હાર્યા !!!
- ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં.3માંથી વિમલ ચુડાસમાએ નોંધાવી હતી દાવેદારી: ધારાસભ્યને પ્રજાએ આપ્યો જાકારો
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા નગરપાલિકાની ચુંટણી હારી જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાલિકા પ્રમુખ બનવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં.3માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ રહેલા વિમલ ચુડાસમાને નગરપાલિકાની જનતાએ જાકારો આપી દીધો છે. વોર્ડ નં.3માં ભાજપના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. સામાન્ય રીતે ધારાસભ્ય દરજ્જાના નેતા ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લડતા હોતા નથી. હાલ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે સમ ખાવા પુરતા એકમાત્ર ધારાસભ્ય એવા વિમલભાઇ ચુડાસમા જ બચ્યા છે. તેઓ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના પ્રતિક પરથી વિધાનસભાની ચુંટણી લડી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવે છે. ધારાસભ્યને જનતા પાલિકાના સભ્ય બનાવવા ઇચ્છતી ન હોય તેવું લાગી રહ્યું છે. ચોરવાડના વોર્ડ નં.3ના મતદારોએ વિમલભાઇ ચુડાસમાને હરાવી દીધા છે.