જૂન માસ સુધી કેસર કેરીની સિઝન ચાલશે: ભાવ ગત વર્ષ જેટલા જ રહેશે
ફળોમાં રાજા ગણાતી કેરીની મોસમ હવે શ‚ થઇ રહી છે. જોકે, આંબાના વૃક્ષો પર બેઠેલા મહોર(ફૂલ)ના આધારે ગીરની પ્રખ્યાત જીઆઇ માર્કાની કેસર કેરી અંગે અંદાજ છે કે ચાલુ વર્ષે કેરીની સીઝન પ્રમાણમાં લાંબી ચાલશે. કેટલાંક વિસ્તારમાં ૨૦થી ૫૦ ટકાની ઘટ જોવા મળી છે, છતાં કેસર કેરીના ઉત્પાદકોને ગયા વર્ષ જેટલા ભાવ જળવાય રહેવાની ધારણા સેવાઈ રહી છે.
દેશભરમાં મધ્યપ્રદેશની દશેરી અને મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીની જેમ ગીરની કેસર કેરી પણ વિશ્વવિખ્યાત છે. ભાવની દૃષ્ટિએ કેસર કેરી બીજા ક્રમની મોંઘી કેરી ગણાય છે. ચાલુ વર્ષે કેરીની સીઝનનો આરંભ થઈ ગયો છે અને એપ્રિલમાં તેની પ્રથમ આવક શરૂ થશે એમ ગીરમાં કેસર કેરીના સ્થાનિક ખેડૂતો અને વાડીના માલિકોએ જણાવ્યું છે. હરિપુરા, સાસણ ગીરમાં ૩૫૦ આંબાની વાડીના માલિક સમિરભાઈના જણાવ્યાં અનુસાર, ગયા વરસની સરખામણીએ ચાલુ વરસે ૮૦ ટકા જેટલું જ ઉત્પાદન થવાનો અંદાજ છે. આંબે મહોર બેસવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હોવાથી એવો અંદાજ છે કે ચાલુ વરસે કેરીની આવકની સીઝન જૂન સુધી લંબાશે. ગીર સ્થિત લાયનપાર્ક ફાર્મના સકીલ ચૌહાણ લગભગ ૧૫૦૦ આંબા ધરાવે છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ઝાકળ ઓછી પડી હોવાથી કેટલાક આંબામાં મહોર મોડે સુધી બેઠા જ ન હતા, છતાં આવકમાં ઘટનો અંદાજ નથી. કદાચ એટલે જ ભાવ પણ ગયા વર્ષ જેટલા ૭૦૦-૮૦૦ જળવાઈ રહેશે. ગયા વરસની સીઝનમાં ગીરની કેસર કેરીનો ભાવ નીચામાં ૪૦૦-૩૦૦ સુધી ગયો હતો. દેવળિયા આસપાસ કૌટુંબિક ૧૨૦૦ જેટલા આંબા ધરાવતા પ્રતાપભાઈએ જણાવ્યું કે, આ વરસે ૫૦૦ રૂપિયાનું ભાવબાંધણું જળવાઈ રહેશે પણ શરૂઆતમાં ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.
સાસણ સ્થિત ઇન્ડિયા ફાર્મના હરસુરભાઈ જેઠવા પાસે લગભગ ૧૫૦૦ આંબાની વાડી છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં કેટલાક વિસ્તારોમાં આંબે મોડે સુધી મહોર જ બેઠો ન હતો. છતાં ગયા વરસની સરખામણીએ ૧૦૦ ટકા ફાલ આવશે, એટલે ભાવ પણ ગયા વરસ જેવા જ જળવાય રહેશે.
લગભગ બધી વાડીના ખેડૂત માલિકો એક વાતે એકમત છે કે તાજેતરમાં વાતાવરણમાં થયેલા ફેરફારથી તો બચી ગયા છીએ. પરંતુ આવનારા દિવસોમાં માવઠું કે વંટોળિયો આવે ને ફાલ ગરી (પડી) જાય તો ભાવ ઊંચા જાય. જોકે, જૂનાગઢ કૃષિ યુનિ.માં આસિ. તરીકે ફરજ બજાવતા પ્રદ્યુમ્નભાઈ જેઠવાએ જણાવ્યું કે, વાતાવરણમાં ફેરફારની હમણાં કોઈ શક્યતા નથી. હવામાન ખાતું લગભગ અઠવાડિયા પહેલાં જ આગાહી કરતું હોય છે. એટલે માવઠા કે આંધી વિશે કંઈ કહેવું સમયથી વહેલું ગણાશે.
અગાઉનાં વરસોમાં વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે કેસર કેરીના મહોર ખરી જવાની ઘટનાઓ બની છે, જેની અસર તેના ઉત્પાદન અને ભાવ બંને પર પડી હતી. ચાલુ વર્ષે તાજેતરમાં આવેલા વાતાવરણમાં પલટા બાદ હવે ફરી વાતાવરણમાં પલટો નહીં આવે એવી ધારણાએ ગીરની કેસર કેરીના ભાવ જળવાય રહેવાની શક્યતા છે.