તાઉતે વાવાઝોડાએ વૃક્ષો અને ગામડાઓને ખેદાન મેદાન કરી નાખ્યા છે. ખાસ કરીને ગીરસોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેરીના પાકનો સોથ વળી ગયો છે. જેના પરિણામે હવે કેરીની સીઝન વહેલાસર સમેટાઈ જનાર છે.
તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ નુકસાન નોંધાયું છે. તેમાંય ગીરસોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. ઉનાળાની ઋતુ વચ્ચે વાવાઝોડું આવતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં મોટુ નુકસાનની ભીતિ સેવાય રહી છે. જેમાં અંદાજે 100 કરોડથી વધુનું નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવાઇ રહ્યો હોવાથી તેમની પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીના બગીચા આવેલા છે. અહીં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે. ભારે પવન અને વરસાદથી કેરી બગડી જાય છે. આથી પાકને નુકસાન થાય છે અને ઝાડ પર રહેલી કેરી જમીન પર ખરી પડે છે. તાઉતે વાવાઝોડાને પગલે આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તૈયાર પાક તેમજ મોર ખરી પડતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે. વાવાઝોડાએ સર્જેલા વિનાશને પગલે કેરીની સિઝન વહેલાસર પૂર્ણ થઈ જવાની છે.
બીજી બાજુ વલસાડમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યાં પણ કેરીના પાકનો સોથ વળી જવા પામ્યો છે. આ ઉપરાંત કચ્છની કેરીને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.
કેરીનો પાક બગડ્યો તેનો વાંધો નહિ પણ 20થી 30 ટકા આંબાનો સોથ વળી ગયો તે સૌથી મોટી નુક્સાની
કેરીનો પાક બગડ્યો તેનો વાંધો નહી પણ 20થી 30 ટકા જેટલા આંબાનો સોથ વળી ગયો તે સૌથી મોટી નુકસાની છે. કારણકે આ આંબા ઉપર હવે આવતા વર્ષે કેરીનો પાક પણ નહીં મળી શકે. માત્ર કેરીનું નુકસાન હોય તો ખેડૂતોને એક વર્ષ જ નુકસાની રહે. પણ આંબાને નુકસાન પહોંચ્યું છે તે કાયમ માટે યથાવત રહેવાનું છે.
કેરીનો 100 ટકા પાક ખરી ગયો, હવે એક અઠવાડિયુ માર્કેટમાં કેરીનો ઢગલો થશે
કેરીનો પાક 100 ટકા ખરી પડ્યો છે. આ પાક હવે માર્કેટમાં તાબડતોબ મૂકીને ખેડૂતો જેટલા પૈસા મળે તેટલામાં સંતોષ માની લેશે. જેના કારણે એક અઠવાડિયુ માર્કેટમાં કેરીના ઢગલા થશે અને કેરી નીચા ભાવે મળશે. વધુમાં તાલાલામાં કેરીના બગીચા ધરાવતા ગફારભાઈએ જણાવ્યું કે ખેડૂતો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. કેરી માટે ખેડૂતોને એક સિઝન મળે છે તે પણ ફેઈલ ગઈ છે. ખેડૂતો ઉપર દેવા થઈ ગયા છે. આ દેવું સરકારે માફ કરી દેવું જોઈએ.