કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. અહેવાલો અનુસાર, કલામસેરી સ્થિત આ કન્વેન્શન સેન્ટરમાં સવારે લગભગ 9.30 વાગ્યે ખ્રિસ્તી ધર્મના લગભગ 2 હજાર લોકો પ્રાર્થના કરી રહ્યા હતા તે દરમિયાન 5 મિનિટની અંદર સતત ત્રણ વિસ્ફોટ થયા. આ વિસ્ફોટના કારણે ગુજરાત, દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે.
મામલામાં થ્રિસુર પોલીસે કહ્યું છે કે, કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે. તેનો દાવો છે કે તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. પોલીસે તેની ઓળખ જાહેર કરી નથી.
બ્લાસ્ટમાં એકનું મોત, 52 લોકો ઈજાગ્રસ્ત : એનઆઈએ – આઈબીએ તપાસમાં ઝુકાવ્યું
કન્નુર પોલીસે એક વ્યક્તિની બેગમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તેની અટકાયત પણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તે ઝારખંડનો રહેવાસી છે. તે મેંગલુરુથી એરીકોડ જઈ રહ્યો હતો.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે 52 લોકોને શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 18 લોકો આઈસીયુમાં દાખલ છે. 6 વર્ષના બાળક સહિત 6 લોકોની હાલત ગંભીર છે. મૃતકની ઓળખ થઈ શકી નથી.
યહોવાહના સાક્ષીઓના સંગઠનના સ્થાનિક પ્રવક્તા ટીએ શ્રીકુમારે જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટ રાત્રે 9:45 વાગ્યે પ્રાર્થના સમાપ્ત થયા પછી કન્વેન્શન હોલની મધ્યમાં થયો હતો. થોડીક સેકન્ડો પછી, હોલની બંને બાજુએ વધુ બે વિસ્ફોટ થયા. એર્નાકુલમમાં જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો તેની આસપાસ મોટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો રહે છે.
કેરળના ડીજીપી શેક દરવેશે કહ્યું કે પ્રારંભિક તપાસ મુજબ આઈઈડી એક ટિફિન બોક્સમાં લગાવવામાં આવ્યો હતો અને તેને કન્વેન્શન સેન્ટરની અંદર રાખવામાં આવ્યો હતો. તપાસ માટે 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. સંપૂર્ણ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે ઘટના અંગે વિગતો એકત્રિત કરી રહ્યા છીએ. અર્નાકુલમમાં તમામ ટોચના અધિકારીઓ હાજર છે. ડીજીપી ઘટનાસ્થળે જઈ રહ્યા છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ વધુ માહિતી મેળવવી પડશે. હાલમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકોની હાલત નાજુક છે. કેટલાક હોસ્પિટલમાં દાખલ છે. વિગતો મેળવ્યા પછી હું વાત કરીશ.
બ્લાસ્ટના સમાચાર મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય મિટિંગ કરી હતી. શાહે અધિકારીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી હતી. આ સિવાય બ્લાસ્ટની તપાસ માટે એનઆઈએ અને આઈબીની ટીમો મોકલવાની સૂચના આપવામાં આવી હતી.