હત્યાના આરોપીના પિતાને ત્રણ શખ્સોએ મોતને ઘાટ ઉતારી વેર વાળ્યું
ધારી તાલુકાના કેરાળા ગામે એકાદ વર્ષ પહેલા યુવાનનું છકડો રીક્ષા નીચે કચડી કરાયેલી હત્યાના આરોપીના પિતા પર ત્રણ શખ્સોએ ખરપીયાથી હુમલો કરી હત્યા કર્યાની અને મૃતકને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એક વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો હત્યા કરી લેવાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના કેરાળા ગામે રહેતા તેજાભાઈ રામભાઈ સાગઠીયાનામના પ્રૌઢ પર તેના જ ગામના હસમુખ તેજા રાઠોડ ઉકા તેજા રાઠોડ અને વિનુ જગા રાઠોડ નામના શખ્સોએ લોખંડના ખરપીયાથી હુમલો કરતા તેને બચાવવા ભરત પ્રવિણ સાગઠીયા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તેજાભાઈ સાગઠીયાનું ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે ભરતભાઈ સાગઠીયાની ફરિયાદ પરથી હસમુખ રાઠોડ સહિત ત્રણ સામે ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક તેજાભાઈ સાગઠીયાના પુત્ર લવજી સાગઠીયાએ એકાદ વર્ષ પહેલા હસમુખ રાઠોડના પુત્ર કલ્પેશ રાઠોડને છકડો રીક્ષા નીચે કચડી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી તેજા સાગઠીયા અને હસમુખ રાઠોડના પરિવાર વચ્ચે અદાવત ચાલતી હોવાથી તેજાભાઈ સાગઠીયાની હત્યા કરી હસમુખભાઈ રાઠોડે પોતાના પુત્રની હત્યાનો બદલો લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચલાલા પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એલ. ગળચર સહિતના સ્ટાફે હસમુખ રાઠોડ તેના ભાઈ ઉકા રાઠોડ અને વિનુ રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.