નેશનલ ન્યૂઝ : પૂર્વ આફ્રિકન દેશ કેન્યામાં સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારા સામે ચાલી રહેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય ઉચ્ચાયોગે મંગળવારે તમામ ભારતીયો માટે સાવચેતીના પગલા તરીકે એક એડવાઈઝરી જાહેર કરી છે.
કેન્યામાં ટેક્સમાં વધારો થવાથી નાખુશ થયેલા હજારો લોકો મંગળવારે સંસદ પરિસરમાં પ્રવેશ્યા હતાં. આ દરમિયાન સંસદમાંSupreme Court પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં અમુક લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતાં.
કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને ટાળવા માટે, કેન્યાની રાજધાની નૈરોબીમાં ભારતીય ઉચ્ચાયોગે તમામ ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે અહીં પરિસ્થિતિ તંગ છે, તેથી તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે ખૂબ જ સાવધાની રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને પ્રદર્શનો અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહો.
ભારતીય ઉચ્ચાયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “કેન્યામાં ભારતીય નાગરિકો માટે સલાહ. હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલ ટાળવાની અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.”
ઉચ્ચાયોગે અન્ય એક પોસ્ટમાં કહ્યું છે કે હિંસાને લગતી લેટેસ્ટ માહિતી માટે સ્થાનિક સમાચાર, ભારતીય ઉચ્ચાયોગની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખો.
એક અહેવાલ અનુસાર, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ હિંસક ઘટનાઓની નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ ‘હિંસા અને અરાજકતા’ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રએ એ વાત પર ભાર મૂક્યો છે કે લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે. અમેરિકાએ કેન્યાની સરકારને ધીરજ રાખવા માટે વિનંતી કરી છે.