વિદ્યાર્થીના બે જૂથ્થ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણ જેવી લોહીયાળ ઘટના પૂર્વે તંત્ર દ્વારા કરાર પુરો થયા બાદ પણ ધરાર ચાલતી કેન્ટીન બંધ કરાવવા વિદ્યાર્થી અને પ્રોફેસરોની માંગ: ટેન્ડરના ભાવ કરતા વધુ ભાવ વસુલ કરી ચલાવાતી ઉઘાડી લૂંટ!
યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પર્સમાં ચાલતી કેન્ટીન અનેક ન્યુસન્સનું એપી સેન્ટર બની હોય તેમ ગઇકાલે વિદ્યાર્થીના બે જૂથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. કેન્ટીન સમયસર બંધ નહી કરાવવામાં આવે તો નજીકના સમયમાં લોહીયાળ ઘટના બને તેવી દહેશત જાણકારો દ્વારા વ્યકત થઇ રહી છે.
ડીએચના ગ્રાઉન્ડ ખરેખર લેડિસ પેવેલિયન છે ત્યાં આ પ્રકારની કેન્ટીન ચલાવાની મંજૂરી આપવી પણ અનઅધિકૃત જ છે આમ છતાં ડીએચના લો કોલેજના લાંચ કેસમાં સસ્પેન્ડ થયેલા મહિલા પ્રિન્સીપાલ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કેન્ટીને ૧૧ માસના કરારથી આપવામાં આવી હતી.
કેન્ટીનનો ૧૧ માસના કરાર પૂર્ણ થયો અને કેન્ટીન સંચાલકના ગોડફાધર લો કોલેજના પ્રિન્સીપાલ પણ સસ્પેન્ડ થતા ડીએચ કોલેજના અધિકારીઓ દ્વારા કેન્ટીન ખાલી કરાવવાની પ્રક્રિયા હાથધરવામાં આવતા કેન્ટીન સંચાલક દ્વારા કોર્ટમાં કાયદાની આટીઘૂટીની મદદથી મનાઇ હુકમ લેવા પ્રયાસ કર્યો હતો પણ અદાલત કેન્ટીન સંચાલકની મનાઇ હુકમની માગણી ફગાવી દીધાનું સુત્રો જણાવી રહ્યા છે.
કેન્ટીન ખાલી કરવી પડે તેવી સ્થિતી થતા કેન્ટીન સંચાલક ડીએચ કોલેજના અધિકારીઓને ચેકથી ભાડુ ચુકવવાનું શ‚ કરતા તેને ખાલી કરાવવા મુખ્ય મંત્રી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવતા મંત્રી દ્વારા જિલ્લા કલેકટરને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર દ્વારા ડીએચ કોલેજના સંચાલકોને જ કેન્ટીન ખાલી કરાવવા તાકીદ કરી પોતે કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો હતો.
ડીએચ કોલેજ દ્વારા જિલ્લા કલેકટરની તાકીદ બાદ પોલીસ કમિશનરને કેન્ટીનના વિવાદ અંગે લેખિત રજૂઆત કરી કેન્ટીન ખાલી કરાવવા મદદ માગી હતી પણ હજી સુધી જિલ્લા કલેકટર કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ડીએચ કેમ્પર્સમાં ચાલતી કેન્ટીન સરકારના ધારાધોરણ મુજબ ભાવનું બોર્ડ લગાવવામાં આવતું ન હોવાનું તેમજ નક્કી થયા મુજબનો ભાવ કરતા વધુ ચાનો ભાવ વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. કોલેજના વિદ્યાર્થી માટે કેન્ટીન ચલાવવાની ૧૧ માસની છુટ આપવામાં આવી હતી રાતે કોલેજ બંધ થઇ હોવા છતાં કેન્ટીન મોડીરાત સુધી ધમધમતી હોય છે અને તેની આડમાં અનેક ગોરખ ધંધા ચાલતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીનીઓને અહીંથી પસાર થવું મુશ્કેલ અને શોભજનક બની ગયું છે.
કેન્ટીન અંગે તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં નહી આવે તો નજીકના સમયમાં વધુ એક લોહીયાળ ઘટના બને તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.