- રાજકોટમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે શાસ્ત્રીમેદાન ખાતે જંગી જનસભાનું સંબોધન કર્યું હતું. આ તકે તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકયો હતો. અને ભાજપ સરકાર પર શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે જ દિલ્હીમાં માત્ર 3 વર્ષમાં 50 હજાર વડીલોને તીર્થયાત્રા કરાવી હોવાનો દાવો કર્યો હતો. તેમજ માત્ર પાંચ વર્ષમાં દિલ્હીમાં સરકારી શાળાઓ – હોસ્પિટલની કાયાપાલટ કરી હોવાનો દાવો કરી 27 વર્ષમાં ભાજપે શુ કર્યું તેવો પ્રશ્નો ઉઠાવ્યાહતા. સાથે જ ગુજરાતમાં મુખ્યમંત્રી ગમે તે હોય સરકાર પાટીલ જ ચલાવતા હોવાનું કહી કટાક્ષ કર્યો હતો.
કેજરીવાલે સી આર પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા કરાવી નથી પણ જો અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું તેવો વાયદો પણ કર્યો હતો. દિલ્હીમાં 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાની ફી વધારવામાં આવી નથી. અને જો કોઈક શાળા આવી હિંમત કરે તો સરકાર તેને સાંભળી લે છે. ત્યારે હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી ? રાજ્યમાં પેપર ફૂટવા મુદ્દે પાટીલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પેપર ફૂટતા નથી રોકી શક્તા તો સરકાર કેમ ચલાવશો ?
વધુમાં સંબોધનમાં જણાવ્યું હતું કે પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે છે ? બાદમાં લોકોને પૂછ્યું હતું કે શું પાટીલ ઠગ છે? જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથ ઉઠાવતા કહ્યું હતું કે, મીડિયા આ ઊંચા થયેલા હાથ બતાવી શકશે ?તેવું પણ ભાષણ માં બોલ્યા હતા. હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. 5 વર્ષમાં જ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યાનો અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપવામાં આવનાર હોવાનો દાવો પણ તેમણે કહ્યું હતું.
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે હાલ ગુજરાતના તમામ ગામોમાં અને ઘર-ઘરમાં આમ આદમી પાર્ટીની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. મને દિલ્હી અને પંજાબના લોકો ખૂબ પ્રેમ કરે છે. એવી જ રીતે હવે ગુજરાતના લોકો પણ મને પ્રેમ કરે છે એ જાણીને ખૂબ આનંદ થાય છે. ઘણા લોકો મને મળવા આવે છે એક વૃદ્ધ માજી આવ્યા હતા. તેમને કહ્યું કે અયોધ્યા ગયા છો ? મેં હા પાડી તો કહ્યું કે હું ગુજરાતની છું અને મારે પણ ત્યાં જવું છે. ત્યારે મેં કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને તો ગુજરાતના તમામ વડીલોને દિલ્હીની જેમ એસી ટ્રેનમાં યાત્રા કરાવીશ. જેમાં રહેવા-જમવા સહિતની સારામાં સારી સુવિધા આપવામાં આવશે.
આ સભા દરમિયા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે રાજકારણ શબ્દને દાગ લગાવ્યો છે. ભાજપ કહેશે અમે કોંગ્રેસ કરતા સારા અને કોંગ્રેસ કહેશે કે અમે ભાજપ માટે સારા પરંતુ આમ આદમી પાર્ટી એમ કહે છે કે એટલે હું ‘આપ’ સાથે જોડાયો છું. આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધા એ આમ આદમીનો અધિકાર છે તે કેજરીવાલે સાબિત કર્યું છે. તમામ સરકારી વિભાગો ઘરે આવીને લોકોનું કામ કરે તેવી સુવિધા દિલ્હીમાં આપવામાં આવી રહી છે. જો ગુજરાતમાં પણ આવી સુવિધા જોઈએ તો આમ આદમી પાર્ટીને એક મોકો આપવો જરૂરી છે.
કેજરીવાલે હોંશભેર સુતરની આંટી પહેરી કોંગ્રેસને જવાબ આપ્યો
આમ આદમી પાર્ટીનાં સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે છે. આજરોજ બપોરના 2:45 વાગ્યે તેઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ ઈસુદાન ગઢવી સહિતનાં સ્થાનિક દિગગજ નેતાઓએ સુતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. હાલમાં જ દાહોદ આવેલા રાહુલ ગાંધી દ્વારા સુતરની આંટી પહેરવાનો ઈન્કાર કરાયો હતો. ત્યારે આજે કેજરીવાલે હોંશભેર સુતરની આંટી પહેરી કોંગ્રેસને જવાબ આપ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત બાદ અરવિંદ કેજરીવાલ યાજ્ઞિક રોડ ખાતે આવેલી ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં વિવિધ વેપારી તેમજ સામાજીક અને રાજકીય આગેવાનો સાથે તેઓ બેઠક કરવાનાં હતા. જો કે કેજરીવાલને મળવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી માંડી બિલ્ડર એસોસિએશન સહિતનાં વેપારી સંગઠનોએ અનિચ્છા દર્શાવી હતી. રાજકોટના ઉદ્યોગકારોનો દિલ્હી તેમજ પંજાબ સાથે ઘણો મોટો ધંધાકીય વ્યવહાર ચાલે છે. જેમાં કૃષિપેદાશો, કોલસા, હોઝિયરી, ટાઇલ્સ તેમજ કપડાં સહિતની વસ્તુઓનું ખરીદ-વેંચાણ કરવામાં આવે છે. છતાં ભાજપ સાથે સંબંધો જાળવવા તેઓએ કેજરીવાલ સાથે મુલાકાત કરવાનું ટાળ્યું હોવાનું ‘આપ’નાં જ એક નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થાપના દિનના દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ભરૂચ ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું હતું. આ પ્રસંગે તેઓએ ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPના સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છું એટલે બધું ફ્રી કરી રહ્યો છું.