શુભમન ગિલના 67 રન ટીમના વિજયમાં અત્યંત ઉપયોગી નીવડ્યા
બોલર્સનું સુંદર પ્રદર્શન બાદ ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ દવારા ફટકારેલી અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે ટી20 16મી સિઝનમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. મોહાલીમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, પંજાબના બેટર્સ મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. સામે ગુજરાતની ટીમે પંજાબના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા અને જંગી સ્કોર ન ખડકે તે મુજબ મજબૂત રમત રમી હતી.
પંજાબે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં મેથ્યુ શોર્ટે સર્વાધિક 36 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.5 ઓવરમાં ચાર વિકેટે 154 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જોકે, ગુજરાત સારી સ્થિતિમાં હોવા છતાં મેચને અંતિમ ઓવર સુધી લઈ ગયું હતું. શુભમન ગિલે સૌથી વધુ 67 રન ફટકાર્યા હતા. ઓપનર રિદ્ધિમાન સહાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 4.4 ઓવરમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી.
સહાએ 19 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 30 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સાઈ સુદરર્શન 19 અને કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવી શક્યા હતા.શુભમન ગિલે ટીમ માટે સૌથી વધુ 67 રનની ઈનિંગ્સ રમી હતી. શુભમન ગિલ અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. ગિલે 49 બોલનો સામનો કર્યો હતો અન સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ડેવિડ મિલર 18 બોલમાં એક ચોગ્ગા સાથે 17 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. રાહુલ તેવાટિયાએ સેમ કરનના બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
ગુજરાત ટાઈટન્સ ટીમે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ઘરઆંગણે રમી રહેલી પંજાબ કિંગ્સની બેટિંગ નિરાશાજનક રહી હતી. ટીમ માટે કોઈ બેટર મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો. ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં મિડલ ઓર્ડરના બેટર્સે યોગદાન આપ્યું હતું. જોકે, તે તમામ બેટર્સની બેટિંગ ધીમી રહી હતી. ઓપનર પ્રભસિમરન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે કેપ્ટન શિખર ધવન આઠ રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હિત સાથે ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલમાં છ અંક સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.