સુપ્રીમ કોર્ટે કૃષિ અધિગ્રહણ એકટ ૧૯૬૦ કલમને ધ્યાને લઈ મધ્યપ્રદેશમાં સીલીંગ સાથેની કાર્યવાહી સાથે જોડાયેલા એક કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સંપતિના અધિકારથી દૂર કરવાનું માત્રને માત્ર કાયદાકીય પ્રક્રિયાથી જ કરી શકાય છે. મિલકતના માલીકોને માલીકી અધિકારથી દૂર રાખવા એ બંધારણીય અધિકારોનું હનન છે.
સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા આ મામલામાં અરજદારની ખેતીની જમીન પર માલીકી અધિકાર હતો. ૧૯૭૯માં અરજદાર વિરુધ્ધ એક ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલીક મર્યાદાઓમાં જમીન સંપાદનના રૂપમાં અને મધ્યપ્રદેશ ભુમી રાજ્યસાત સહિતાની કલમ ૧૯૫૯ની ૨૪૮ મુજબ કબજો છોડાવવા અને માલીકી રદ કરવા માટે અરજદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, અરજદારે વિવાદાસ્પદ જમીનના સંબંધમાં પોતાના અધિકાર માટે દાવો દાખલ કર્યો હતો અને કોર્ટે અગાઉના ચુકાદાઓને ધ્યાને લઈ આ મામલામાં બંધારણની કલમોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, જમીન સંપાદન અને ખાસ કરીને જમીનની માલીકીનો અધિકાર બંધારણે આપેલો છે. અપીલમાં ન્યાયમૂર્તિ સંજય કિશન કોલ, દિનેશ મહેશ્ર્વરી અને ઋષિકેશ રોયની સંયુક્ત ખંડપીઠે વિચાર વિમર્શ કરીને અપીલની સુનાવણી હાથ ધરી હતી અને બંધારણીય કલમ ૧૧/૪નો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણીય કલમ ૧૧ (૪)માં એવું સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યું છે કે, કોઈપણ મિલકતના માલીકીપણાના સંબંધમાં કોઈપણ પ્રશ્ર્ન ઉત્પન્ન થાય તો તેનો ઉકેલ કાયદાકીય રીતે જ લાવી શકાય. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આવી કોઈપણ વિવાદાસ્પદ બાબતનો ઉકેલ માત્રને માત્ર કાયદા અનુસાર ઉકેલવો જોઈએ.
અદાલને જણાવ્યું હતું કે, અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે, સંપતિનો અધિકાર આજે પણ ભારતના બંધારણની કલમ ૩૦૦ એ અંતર્ગત એ બંધારણીય હકક છે જો કે આ મૌલીક અધિકાર નથી, અધિકારથી વંચિત માત્રને માત્ર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાઓ મુજબ કરી શકાય છે. કોઈને મિલકતના અધિકારથી વંચિત ન રાખી શકાય. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય રદ્દ કરી અરજદારની અરજી ગ્રાહ્ય રાખી હતી અને જણાવ્યું હતું કે, કોઈપણ મિલકતની માલીકીપણુ માત્રને માત્ર કાયદાની પ્રક્રિયાથી જ તબદીલ કરી શકાય. અરજદાર જેનુબાઈના હિતમાં આવેલા ચુકાદામાં અરજદારને વિવાદીત જમીનનો માલીકી અધિકાર અને જપ્ત થયેલી જમીનની મુદત આવરી લેવામાં આવી છે. જમીન અને મિલકતની માલીકી માત્રને માત્ર કાયદાકીય પ્રક્રિયાથી જ તબદીલ કરી શકાય.