‘ફાધર ઓફ નેશન’ ને ‘ફાધર ઓફ ન્યુ નેશન’ની વંદનાની ઘટનાને ‘સુવર્ણયુગ’ના શુભારંભના અવસરમાં પરિવર્તિત કરવાની જવાબદારીમાંથી કોઈ ન છટકે એમ ઈચ્છીએ !
આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અંગ્રેજી સલ્તનતની કલંકભરી ઘૂંસરીમાંથી મૂકત થવાની અને ગુલામીને ફગાવી દઈને સ્વરાજ પ્રાપ્ત કરી આપવાની પવિત્ર પ્રતિજ્ઞા ‘ફાધર ઓફ નેશન’ મહામાનવ મહાત્મા ગાંધીજીએ ખૂદે પણ લીધી હતી અને સમગ્ર રાષ્ટ્ર પાસે લેવડાવી હતી.
તેમણે એવું વચન પણ આપ્યું હતુ કે, જો મને કોઈ મારી નહિ નાખે તો હું સવાસો વર્ષ જીવીશ અને આ દેશની કરોડોની પ્રજાને આપેલું રામરાજય લાવવાનું વચન પાળવા અખંડ તપ કરીશ.
કમનસીબે એમને શ્રી રામના દરબારમાં મોકલી અપાયા અને તેમનું ‘રામરાજય’ લાવી આપવાનું સ્વપ્ન અધૂરૂ રહ્યું અને વચન ન પાળી શકાયું. અત્યાર સુધી એ અધૂરપ જેમની તેમ રહી છે. આ અધૂરપને સિધ્ધિની મધુરપથી ભરી દેવા કોઈ ‘માઈનો પૂત’ અવતરે એની રાહ સવા અબજની વસ્તીનો આ દેશ રાહ જૂએ છે! કદાચ આખું વિશ્વ આવા મહામાનવની રાહ જૂએ છે.
‘ફાધર ઓફ ન્યુ નેશન’એ ફાધર ઓફ નેશન’ને વંદના કરી તે વખતે તેમની અને આ દેશની પ્રજાની જવાબદારી અનેકગણી વધી છે. આ ઘટનાને આપણી ભારતભૂમિને ‘સુવર્ણયુગ’ની ભેટ ધરવાના શુભારંભના અવસરમાં પરિવર્તિત કરવાનો આમાં સંકેત છે. આ માટેની જવાબદારી અદા કરવામાં અને રાષ્ટ્રધર્મ બજાવવામાં પાછી પાની કરે એમ આપણે સહુ ઈચ્છીએ અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ…
આ તકે એ પેલી કહેવતને ન ભૂલીએ કે માત્ર વાતોનાં વળાંથી કે વચનોના ઢગલાથી ઘણનાં અને ઝુંપડીઓનાં નળિયા અને છત સોનાનાં થઈ જતા નથી ! જો થઈ જતાં હોત તો આપણા દેશમાં ‘સુવર્ણયુગ’ ફરી આવી ગયાનો આભાસ થાત, અને સોનાનીદ્વારકા કે સોનાની લંકા કઈ કઈ રીતે શોભતી હોત એને લગતો પણ આભાસ થાત ! પરંતુ ઉધમ વિના અને કઠોર પરિશ્રમ વિના સિધ્ધિઓના ગલગોટા નથી ખીલતા અને વાતોનાં વળાંથી તથા ફોફલા તથા બનાવટી વચનોથી સુવર્ણયુગ નથી આવી જતા કે સોનાની નગરીઓ નથી જન્મતી એમ કહ્યા વિના છૂટકો નથી.
આપણો દેશ તો અત્યારે બેસુમાર બેહાલ અને પાંગળો છે.
આપણા રાષ્ટ્રની મહામૂડી સમી ‘ઈસરો’ના વૈજ્ઞાનિકો ચંદ્રમાં પર પગલા માંડવાના આરે પહોચ્યા છે. ત્યારે તેના એક વૈજ્ઞાનિકની ભેદી રીતે હત્યા થઈ છે. એવા સમાચાર આ દેશના વિકાસની મોટી મોટી વાતો કેટલી પાંગળી તેમજ પોકળ છે. એનો યથાર્થ ખ્યાલ આપે છે !…
આ ઘટનાને રખે કોઈ ટોચની ગંભીર બાબત નહિ ગણવાની ભૂલ કરે. આમાં આપણા જાસૂસી ખાતાની કમજોરી ખૂલ્લી થયા વિના રહેતી નથી. ‘ફાધર ઓફ ન્યુ નેશન’ની સરકાર આ દેશ ઉપર રાજ કરે છે. અને એમના નેતૃત્વની વાહવાહ થાય છે. તે જોતા આ ઘટના વધુ ગંભીર બની જાય છે.
આ હત્યાનો ભેદ ઉકેલવામાં જેટલો વિલંબ થશે, એટલી વધુ હાનિ આ દેશને થશે! જો આ રીતે લોલેલોલ ચાલ્યા કરશે તો ભેદી હત્યાઓ, જાસૂસી અને પાપાચારો વધતા જ રહેશે. આપણા દેશે બધક્ષ જ રીતની આમા ખોજ કરવી જ રહી.
આપરા વર્તમાન સામાજીક તથાશૈક્ષણીક ઢાંચાનો નીચોડને અંતે એવું લાગે છે કે આ વિશ્ર્વને વધુ સુખમય અને આનંદ પૂર્ર કરવાને જાગૃતિ પામેલા દરેક માણસે પોતાથી બને તેટલુ કરી છૂટવું જોઈએ. એ કરવાને, કોઈએ પોતે કોઈ ભોગ આપવાની કે ખોટુ સ્વાર્પણ કરવાની પણ જરૂર નથી. જીવનના સ્વાભાવિક ક્રમમાં એવી અનેક તકો ભરેલી છે કે માણસ પોતાના શબ્દથી, વાણીથી વર્તનથી કે સાદી સમાનતાથી દુનિયાને સુખ, સંતોષ અને આનંદ સહજભાવે આપી શકે.
આણી આત્મખોજમાં એ મુદ્દોવવો જ જોઈએ કે, આપણો દેશ કેવો હતો ને કેવો કંગાળ થઈ ગયો !
આખા વિશ્ર્વની સહુથી પહેલી યુનિ. સદીઓ પહે છેક ઈ.સ. પૂર્વે ભારતમાં સ્થપાઈ હતી. અને આખીયે દુનિયાના દેશોમાંથી દશ હજાર વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરવા આવતા હતા. એમાં આયુર્વેદ સહિત ૨૦૦ વિષયોનું શિક્ષણ અપાતું હતુ આજે તક્ષશીલા, નાલંદા, વલ્લભી જેવા વિદ્યાલયોમાં આજની જેમ ઉઘાડે છોગે, વિધા વેચાતી નહોતી વહેચાતી જ હતી ! એવી યુનિ.ઓ વિના આ દેશ વિશ્વગુરુ બની શકશે નહિ.
‘ફાધર ઓફ ન્યુ નેશન’ની દૂરંદેશી અને કૌશલ્ય સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી…
અભિપ્રાય ભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, દ્રષ્ટિભેદ હોઈ શકે. પરંતુ રાષ્ટ્રના ભવિષ્યને ઉજજવળ બનાવવાના ધ્યેય સંબંધમા સંપૂર્ણ એકમતિ હોવી જ જોઈએ. જો એમાં લેશ માત્ર કમજોરી આવે, રાષ્ટ્રની એકતા સતત ખંડિત અને છિન્નવિભિન્ન થતી રહે. સંસ્કૃતિ અને સંસ્કાર સભ્યતાના ભોગે પણ સત્તા લોલુપતા ન ત્યાગી શકાય તો દેશનું બિહામણું પતન નિશ્ર્ચિત બને અને એને કોઈ રોકી ન શકે… દેશની રાજકીય આર્થિકને સાંસ્કૃતિક સ્વતંત્રતા જોખમાવાનો ખતરો પણ એમાં છે જ !