રાજકોટમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૨ ડિગ્રી પટકાયો: નલીયા ૧૯.૨ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર
દેવદિવાળી વિતી ગયા હોવા છતાં હજી કમોસમી વરસાદ ચાલુ રહેતા રાજયમાં શિયાળાની સીઝન વિધિવત શરૂ થઈ ન હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં લોકો ૩-૩ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડે છે જોકે હવે ગરમ કપડા તૈયાર રાખવા પડે તેવા દિવસો નજીક આવી રહ્યા છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ માત્રામાં નોંધાયું હતું. આગામી દિવસોમાં હજી તાપમાનનો પારો સતત નીચો જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલનું લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી જયારે મહતમ તાપમાન ૩૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી નીચે પટકાતા આજે સવારે ઠંડીનો અહેસાસ થતો હતો. સુરેન્દ્રનગરમાં આજે તાપમાન ૨૦.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જયારે અહીં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. જુનાગઢનું તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની સરેરાશ ઝડપ ૩.૩ કિમી રહેવા પામી હતી. જયારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જુનાગઢમાં ૧૧.૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. કચ્છનું નલીયા રાબેતા મુજબ આજે ૧૯.૨ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડું શહેર તરીકે નોંધાયું છે.
હવે રાજસ્થાન તરફથી શિયાળુ પવન ફુંકાવા લાગ્યા છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં શિયાળાની સીઝનનો વિધિવત પ્રારંભ થઈ જશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં ૧૫મી નવેમ્બર શિયાળાની અસર વર્તાવવા લાગશે જે સાચી ઠરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે વહેલી સવારે ગરમ કપડા પહેરવા પડે તેવી ઠંડીનો અહેસાસ થતો હતો જોકે દિવાળી અને ત્યારબાદ દેવદિવાળીનાં તહેવાર વિત્યો હોવા છતાં હજી સુધી મેઘરાજાને વિદાય લેવાનું જાણે મન ન હોય તેવું લાગી રહ્યું છે જેનાં કારણે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.