૨૮ ટકાના સ્લેબમાં નાના ઉધોગોનો વિકાસ ‚રુંધાય જવાની ભીતિ: સૌથી વધુ વેપારીઓએ હાજર રહી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું
જીએસટીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમાં પણ જીએસટીના અમુક સ્લેબો ઉધોગો માટે ભારણરૂપ હોવાના કારણે વેપારીઓને તકલીફનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ સર્જાય રહી છે. જેના કારણે રાજકોટના હાર્ડવેર મેન્યુફેકચરર એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં અંદાજીત ૨૦૦ જેટલા વેપારીઓ જોડાયા હતા.
આ વેપારીઓએ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને જીએસટીના દર બાબતે રજુઆત કરી હતી. આ રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે, હાર્ડવેર મેન્યુફેકચરર બિલ્ડીંગ મટીરીયલ પ્રોડકટ, ડોર ફીટીંગ, હાર્ડવેર ગુડસ સહિતના સાધનો બનાવે છે. આ સાધનો ઉપર અત્યારસુધી માત્ર ૭ ટકા કર લાગતો હતો પરંતુ જીએસટીમાં ૨૮ ટકાના સ્લેબમાં હાર્ડવેર પ્રોડકટને મુકવામાં આવી છે. ૨૮ ટકાના સ્લેબમાં આ વસ્તુઓને મુકવામાં આવતા સુક્ષ્મ અને લઘુ ઉધોગોને ફટકો પડવાની પુરેપુરી સંભાવના છે.
રાજકોટ ઉપરાંત જામનગર, અલીગઢ વગેરે વિસ્તારોમાં આવા ઉધોગો મોટા પ્રમાણમાં છે. તેમાં કાચા માલ કરતા મજુરીનું પ્રમાણ વધુ હોય છે. જો ૨૮ ટકા જેટલો કર લાદવામાં આવે તો આ ઉધોગોનો વિકાસ ‚રુંધાય જશે. આ ઉપરાંત સરકારની અફોડેબલ હાઉસીંગ યોજનાને પણ ફટકો પડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ છે. એક તરફ ચાઈનીઝ વસ્તુઓ બજારમાં ધુમ મચાવી રહી છે ત્યારે જો સ્થાનિક ઉધોગોને કરમાં રાહત આપવામાં ન આવે તો વેપારીઓને હરિફાઈમાં ટકવુ મુશ્કેલ બની રહેશે અને તેની સીધી અસર આર્થિક વિકાસને થશે.
વધુમાં વેપારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, ૨૮ ટકાના સ્લેબમાં ઉધોગો ચલાવવા ખુબ અઘરા બની રહેશે. રાજકોટમાં હાર્ડવેર પ્રોડકટ બનાવતા મોટા પ્રમાણમાં યુનિટો છે. જેઓ ફર્નિચર ફીટીંગ, તાળા, બારીના ફીટીંગ અને એસેસરીઝ વગેરે બનાવે છે. જો આ ઉધોગોને ૧૨ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો તેનો ઘણો ફાયદો મળી રહેશે. આ માટે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆતો કરવામાં આવશે તેવું વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.