મહિલા સશક્તિકરણ માટે સાયબર સિક્યુરીટી મહત્વની: મંત્રી વિભાવરીબેન દવે
પ્રત્યેક ઉદ્યોગ ડિજિટલ યુગમાં પ્રવેશ્યો છે: શિક્ષણ મંત્રી ચુડાસમા
વડોદરાની એસ.એસ.યુનિ.માં યોજાયો સાયબર સિક્યુરીટી વેબિનાર
સાઈબર ક્રાઈમથી બચવું હોય તો એકાદ શબ્દ નહીં પણ એકથી વધુ શબ્દોવાળું એક વાક્ય તમારે પાસવર્ડ તરીકે રાખવું જોઈએ તેમ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સાઈબર સિક્યોરીટી વિષય પર યોજાયેલા સેમિનારમાં પટિયાલાના કોમ્પ્યુટરના નિષ્ણાંત પ્રો.મનીન્દરસિંગે જણાવ્યું હતું.
સેમિનારમાં પ્રારંભમાં વેબિનાર ક્ધવીનર પ્રોફેસર અપૂર્વ શાહે સાયબર સિક્યોરિટી ન હોવાને કારણે થતા ગેરફાયદા વિશે જણાવ્યું હતું. અને સાયબર સિક્યુરિટીની જરૂરિયાત વિશે માહિતગાર કર્યા હતા.
વાઇસ ચાન્સલર પ્રોફેસર પરિમલ વ્યાસે ઉદ્ઘાટન પ્રવચન આપતા જણાવ્યું હતું કે સાયબર એટેક સમસ્યા વૈશ્વિક સમસ્યા છે. શાળા અને કોલેજોમાં સાયબર સિક્યુરિટી વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા જરૂરી છે કારણ કે ઈ શોપિંગ અને ઈ કોમર્સ ના જમાનામાં સાઈબર ટેરરિઝમ સામે લડત આપવી જરૂરી છે.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ મહિલા સશક્તિકરણ માટે સાયબર સિક્યુરિટીના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાત સરકારે આ વિશે લીધેલા પગલાની માહિતી આપી હતી. થાપર યુનિવર્સિટી પટિયાલાના કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા પ્રોફેસર મનીન્દરસિંગે લોકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તમે જ્યારે કોઈ વસ્તુ ઓનલાઈન સર્ચ કરો છો ત્યારથી જ સાઇબર અટેકનો ભોગ બનવાની સંભાવના શરૂ થઈ જાય છે. કોઈપણ બેંક અથવા આર્થિક લેવડ-દેવડ માટે અધિકૃત વેબસાઈટ કેવી રીતે ઓળખવી તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું. સામાન્ય રીતે લોકો એકાદ શબ્દ કે નામ પાસવર્ડ તરીકે રાખતા હોય છે તે આધુનિક કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી ૧૧ કલાકની અંદર ક્રેક થઈ શકે છે. તેથી એકાદ શબ્દ નહીં પણ એકથી વધુ શબ્દોવાળું એક વાક્ય તમારે પાસવર્ડ તરીકે રાખવું જોઈએ. હેકર્સ સામે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તેની જાણકારી પણ મનીન્દરસિંગે આપી હતી.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અધ્યક્ષીય પ્રવચન કરતાં કહ્યું હતું કે, હવે પ્રત્યેક ઉદ્યોગ ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂકયો છે અને તેથી જ હેકિંગના દૂષણને નાથવા માટે સાઇબર સિક્યુરિટી ક્ષેત્રે અનેક ઉજળી તકો રહેલી છે. ગુજરાત સરકારે એ પ્રારંભ કરેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્ર સહિત બધા જ ક્ષેત્રોને આવરી લેતા આવા લોકોપયોગી વિષય પર સેમિનાર રાખવા માટે તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડો. કે. એમ. ચુડાસમાએ અંતે વેબિનારમા જોડાયેલા સૌનો આભાર માન્યો હતો.