એક કા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી રૂ. ૭૧.૫૪ લાખનું કૌભાંડ આચર્યુ
બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી શરાફી મંડળી અવાર નવાર ઉઠી જતી હોવા છતાં તંત્ર દ્વારા આવી લેભાગુ ક્રેડીટ સોસાયટીનું ઓડીટ ન થતું હોવાથી વધુ એક કે.ડી.આર. કો.ઓ.સોસાયટીના સંચાલક દંપત્તીએ રૂા.૭૧.૫૪ લાખનું ફુલેકુ ફેરવી પલાયન થઇ જતા ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. શરાફી મંડળીના સંચાલત દંપત્તી સામે ૮૩ સ્ત્રી-પુરૂષ રોકાણકારોએ પૂર્વ યોજીત કાવતરૂ રચી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોચી બજારમાં મમરાવાળા ચેમ્બરમાં પ્લાસ્ટીકની ચિજ વસ્તુનું વેચાણ કરતા અસલમભાઇ અબ્દુલગફાર બાવાણીએ બજરંગવાડી પાસે પુનિતનગરમાં રહેતા અને દુધની ડેરી પાસે કે.ડી.આર. એન્ટરપ્રાઇઝ અને કે.ડી.આર. ક્રેડિટ સોસાયટી ચલાવતા ફરીશ્માબેન ઉર્ફે કરીશ્માબેન અહેમદ બુંબીયા અને તેના પતિ મહંમદઅહેમદ બુંબીયા સામે રૂા.૭૧.૫૪ લાખની છેતરપિંડી કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિશ્માબેન ઉર્ફે કરીશ્માબેન બુંબીયા અને તેનો પતિ મહંમદઅહેમદ બુંબીયા ચલાવતા ક્રેડિટ સોસાયટીમાં માસિક બચત અને એકના ડબલની સ્કીમના નામે બચત યોજના ચલાવે છે તેમાં નાણા રોકવાથી વધુ વ્યાજ મળતું હોવાની લોભામણી લાલચ દઇ માસિક રૂા.૫૦૦ની બચત યોજનામાં રોકાણ કરાવી ૨૦ મહીનાના અંતે રૂા.૧૦ હજારના રૂા.૧૨ હજાર પરત આપી ફસાવ્યા બાદ ક્રેડિટ સોસાયટીમાં જુદી જુદી સ્કીમ હેઠળ ૮૩ જેટલા મહિલા અને પુરૂષ પાસે રોકાણ કરાવી કુલ રૂા.૭૧.૫૪ લાખનું ફુલેકુ ફેરવી દુધની ડેરી પાસે આવેલી ક્રેડિટ સોસાયટીની ઓફિસને તાળા મારી પલાયન થઇ જતા રોકાણકારો પોલીસ મથકે દોડી ગયા હતા.થોરાળા પોલીસ મથકના પી.આઇ. હડીયા અને પી.એસ.આઇ.જાદવ સહિતના સ્ટાફે કે.ડી.આર. ક્રેડિટ સોસાયટીના સંચાલક દંપત્તી ફરીશ્મા બુંબીયા અને તેના પતિ મહંમદઅહેમદ બુંબીયા સામે પૂર્વ યોજીત કાવતરૂ રચી છેતરપિંડી કર્યા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.