સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ઓડિટોરિયમમાં કૌશિક મહેતાનું કરાશે બહુમાન: ‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી
રવિવારે મોરારીબાપુની ઉપસ્થિતિમાં વરિષ્ઠ પત્રકાર તંત્રી કૌશિક મહેતાનો કૌશિકોત્સવ , જ્ઞાનતુલા દ્વારા કલમનવેશનું સન્માન કાર્યક્રમ યોજાશે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ અજયભાઈ જોષી, ભરતભાઈ દુદકીયા, મિતલ ખેતાણી, ઉર્વેશભાઈ પટેલ, સુનિલભાઈ જોશી વિગેરે વિશેષ માહિતી આપી હતી.
ફૂલછાબના તંત્રી અને પત્રકાર , કોલમીસ્ટ , લેખક , વક્રતા કૌશિક મહેતાને સન્માનવા માટે આગામી રવીવાર તારીખ 16 ઓકટોબરના રોજ મોરારી બાપુની ઉપસ્થિતિમાં કૌશિકોત્સવ કાર્યક્રમનું આયોજન કૌશિક મહેતાના શુભેચ્છકો , મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે . આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ઓડિટોરિયમમાં રવીવારે સાંજે 5,45 કલાકે યોજાશે . જેમાં કલમના કસબી અને પુસ્તકપ્રેમી કૌશિક મહેતાને પુસ્તકોથી જ સન્માનવા તેમના વજન જેટલા પુસ્તકોની જ્ઞાનતુલા પણ કરવામાં આવશે.કાર્યક્રમના અંતે મોરારીબાપુ કૌશિક મહેતાને આશિર્વચન પાઠવશે.
કૌશિક મહેતાની પત્રકારત્વ લેખનની સફર ઉપર એક નજર નાંખીએ તો સૌરાષ્ટ્ર યુનિ , પત્રકારત્વ ભવન ખાતે માસ્ટર ઇન જર્નાલીઝમ કર્યુ હતું . ત્યાર બાદ અકિલા , સંદેશ , ચિત્રલેખા સહિત પ્રકાશનોમાં કામ કર્યુ . ફૂલછાબમાં તેઓ સબ એડિટર તરીકે 1990 નીસાલમાં જોડાયા હતાં.ર008 થી તંત્રીપદ સંભાળતાં રહયા છે . ફૂલછાબમાં તેઓ રોજે રોજ ખબરની ખબર સાંપ્રત વિષયોની કોલમ , રવીવારે ભેજાફ્રાય કોલમ , બુધવારની પૂર્તિમાં સીધુ ને સટ , તેજસ્વી પૂર્તિમાં લેટર ટુ ડોટર , કોલમ અને દર સોમવારે આજનો ઇ – મેલ છપાય છે . તેમની હળવા વ્યંગની કોલમ ટાઢા પો’રે પણ ખાસ્સી લોકપ્રિય રહી હતી .
અત્યાર સુધીમાં તેમના રર પુસ્તકો પ્રસિધ્ધ થયા છે . પહેલું પુસ્તક નરેન્દ્ર મોદી વિવાદથી વિક્રમ સુધી સહિતના પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમને પ્રતિષ્ઠિત સન્માનો પણ મળ્યા છે . જેમાં હરિન્દ્ર દવે એવોર્ડ , નારદ એવોર્ડ સહિતના સન્માનો મળ્યા છે .
ગુજરાત સરકારના માહિતિ વિભાગની કમિટિમાં પણ તેમને સ્થાન મળ્યું છે . ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ અને સરદાર સ્મારક ટ્રસ્ટ , સિઝન સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે . વજનદાર શરિરના માલિક કૌશિક મહેતા તેના ખુશમિજાજ માટે મિત્રો , સ્ટાફ અને પરિચિતોમાં જાણિતા છે . આ કાર્યક્રમના આયોજનમાં ડો.ભદ્રાયુ વચ્છરાજાની , અનામિક શાહ , અજય જોશી , અલ્કાબેન વોરા , મુકેશ દોશી , મિતલ ખેતાણી , કૃષ્ણકાંત ઉનડકટ , જયોતિ ઉનડકટ , યોગેશ ચોલેરા , સુનીલ જોશી , ભરતભાઇ દુદકિયા , ઉર્વેશ પટેલ વગેરે અનેક શુભેચ્છકો મિત્રોનો સહયોગ સાંપડયો છે.