ગીરનાર પર્વત ઉપર લધુતમ તાપમાનનો પારો 6.5 ડિગ્રીએ પહોચી ગયો: સુસવાટા મારતા ઠંડાગાર પવનથી ઠુંઠવાતું જનજીવન
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયમાં સતત થઇ રહેલી બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતીલ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કચ્છનું નલીયા આજે 5.8 ડીગ્રી લધુમત તાપમાન સાથે હાડથી જાવતી ઠંડીમાં ઠુંઠવાય ગયું હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો 6.5 ડીગ્રી એ પહોંચી ગયો હતો. આગામી પાંચ દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.
ડિસેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ કરનાર ગુજરાતવાસીઓ છેલ્લા એક સપ્તાહથી કાતીલ ઠઁડીમાં રિતસર થર થર ધ્રુજી રહ્યા છે. બર્ફિલા પવન ફુંકાવાના કારણે દિવસ દરમિયાન કડકડતી ઠંડાનો અહેસાસ થઇ રહ્યો છે. આજે કચ્છના નલીયાનું લધુતમ તાપમાન 5.8 ડીગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. ભુજનું લધુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર આજે તાપમાન 6.5 ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. અમદાવાદનું લધુતમ તાપમાન 13.2 ડીગ્રી, વડોદરાનું લધુતમ તાપમાન 14.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13.9 ડીગ્રી, ડિસાનું તાપમાન 9.6 ડિગ્રી, દિવનું તાપમાન 1પ ડીગ્રી, દ્વારકાનું તાપમાન 15.2 ડીગ્રી, કંડલાનું તાપમાન 13 ડીગ્રી, ઓખાનું તાપમાન 17.9 ડીગ્રી, પોરબંદરનું તાપમાન 13 ડીગ્રી, રાજકોટનું તાપમાન 10.2 ડીગ્રી, સુરતનું તાપમાન 14.4 ડીગ્રી અને વેરાવળનું તાપમાન 15.3 ડીગ્રી નોંધાયું હતુ.
બર્ફિલા પવનના સુસવાટાના કારણે દિવસ ભર કાતીલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હજી પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. રાજયમાં ઠંડીના વધતા પ્રકોપથી લોકો થર થર ધ્રુજી રહ્યું છે. દિવાળીના મહિના વિતવા છતાં શિયાળાની અસર જોવા મળી ન હતી. હવે શિયાળાએ બરાબર જમાવટ કરી છે હજી પાંચ દિવસ રાજયવાસીઓને કાતીલ ઠંડીમાંથી મુકિત મળે તેવી કોઇ જ સંભાવના દેખાતી નથી. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં લધુતમ તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે.