ચારેય ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં મેયર સહિતના કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા: રામનાથ કોરિડોર પ્રોજેક્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવા સહિતના મુદ્ે રજૂઆત
ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઇ પટેલ ગત 12મી ડિસેમ્બરના રોજ સત્તારૂઢ થયા હતાં. વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી થયા બાદ રાજ્ય સરકારમાં રાજકોટનું વજન દિનપ્રતિદિન સતત ઘટી રહ્યું છે. તે વાત વધુ એક વખત પ્રસ્થાપિત થઇ છે. સીએમની શુભેચ્છા મુલાકાત માટે કોર્પોરેશનના પદાધિકારીઓ સતત સમય માંગતા હતા. દરમિયાન આજે 101 દિવસ એટલે કે સાડા ત્રણ મહિનાના લાંબા અંતરાલ બાદ ભૂપેન્દ્રભાઇ પટેલે કોર્પોરેશનના પદાધિકારીઓને રૂબરૂ મળવા માટે સમય આપ્યો હતો. ચારેય ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં આજે કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. શહેરના વિવિધ પ્રશ્ર્ને તેઓએ સીએમને રજૂઆત કરી હતી.
સામાન્ય રિતે નવનિયુક્ત મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા ગણતરીના દિવસોમાં જ લઇ લેવામાં આવતી હોય છે. ગત ડિસેમ્બર માસમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ બીજી વખત સત્તારૂઢ થયા હતાં. તેઓની શુભેચ્છા મુલાકાત માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા સતત સમય માંગવામાં આવતો હતો. તાજેતરમાં રાજકોટની મુલાકાતે જ્યારે સીએમ આવ્યા હતા ત્યારે પણ મેયરે ગાંધીનગર રૂબરૂ આવવાની વાત મૂકી હતી.
આ ઘટનાને પણ એક પખવાડીયું વિતી ગયા બાદ અંતે ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ મહાનગર પાલિકાના શાસકોને શુભેચ્છા મુલાકાત માટે સમય આપ્યો હતો. આજે બપોરે 1 કલાકે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિદ્વપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને રાજકોટના ચારેય ધારાસભ્યો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં મુખ્યમંત્રીને મળ્યા હતા. તેઓએ રાજકોટના વિવિધ પ્રશ્ર્નો જે રાજ્ય સરકારની મંજૂરી કે ગ્રાન્ટના વાંકે અટક્યા છે તે અંગે રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રામનાથ મહાદેવ કોરિડોર પ્રોજેક્ટ માટે રૂ.179 કરોડની ગ્રાન્ટ ચોક્કસ ફાળવી છે. પરંતુ આ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવી હોવાના કારણે શહેરના અન્ય વિકાસ કામો પર તેની અસર પડે તેમ છે. આવામાં ગ્રાન્ટ આગવી ઓળખના કામના હેડમાંથી ફાળવવા આવે તેવી માંગણી કરી હતી. સાથોસાથ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે પણ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કેકેવી ચોકમાં નિર્માણાધીન મલ્ટીલેવલ બ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે હોય જેના લોકાર્પણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.