ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્રમાં ગાત્રો થ્રીજાવતી ઠંડી: હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી: લઘુત્તમ તાપમાનનો પાર ૨ થી ૩ ડિગ્રી પટકાય તેવી સંભાવના
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં પડેલા રેકોર્ડબ્રેક હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજયમાં ત્રણ દિવસ કોલ્ડવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજી લઘુતમ તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી સુધી નીચો પટકાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે કચ્છનું નલીયા ૬ ડિગ્રી સાથે જયારે રાજકોટ ૯.૫ ડિગ્રી સેલ્શીયસ સાથે ઠંડીમાં થર-થર ધ્રુજી ઉઠયું હતું. રાજયના કેટલાક શહેરોમાં આજે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં ગરકાવ થઈ ગયો હતો. સાથોસાથ કાતિલ પવનના સુસવાટામાં જનજીવન ઢીંગરાઈ ગયું છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનનો પારો વધુ એકાદ ડિગ્રી સુધી નીચો પટકાતા લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. રાજકોટમાં પણ આજે ઠંડીનું જોર વઘ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૨.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા, પવનની સરેરાશ ઝડપ ૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. આજે બેઠા ઠારના કારણે લોકોએ વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો. કાતિલ ઠંડીના કારણે રાત્રે અને સવારના સમયે શહેરના રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે. મોડીરાત સુધી જાગતું શહેર કાતિલ ઠંડીમાં વહેલું પોઢી જતું હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીનું લઘુતમ તાપમાન આજે ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા જયારે પ્રતિ કલાક ૫.૯ કિમીને ઝડપે પવન ફુંકાયો હતો. જુનાગઢવાસીઓ પણ આજે થર-થર ધ્રુંજયા હતા. જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૯ ડિગ્રી રહેવા પામ્યું હતું. લઘુતમ અને મહતમ તાપમાનમાં માત્ર બે ડિગ્રીના અંતરના કારણે સોરઠવાસીઓ ૨૪ કલાક એક જ સરખી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જુનાગઢમાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫.૩ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી.
હાલ ઉતર પૂર્વના પવનો ફુંકાઈ રહ્યા છે. સાથોસાથ ઉતરીય રાજયોમાં સતત બરફ વર્ષા ચાલુ હોવાના કારણે સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી ૨૬મી જાન્યુઆરી સુધી રાજયમાં કોલ્ડવેવ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયભરના શહેરોમાં હજી લઘુતમ તાપમાનનો પારો ૨ થી ૩ડિગ્રી સુધી નીચો પટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સંભવત: શનિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૬ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે. જો આવું થશે તો આ દિવસ ચાલુ સાલ શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ બની રહેશે.