- હમણાં માતાને બતાવીને આવું છું કહી….
- જેતપુર પોલીસ પાસેથી ઠગ કશ્યપનો કબ્જો મેળવવા ભક્તિનગર પોલીસની તજવીજ
શહેરના ગુંદાવાડી મેઈન રોડ પર જવેલર્સ પેઢી ચલાવતા વેપારી પાસેથી 46.240 ગ્રામ વજનના બે સોનાના ચેઇન જેની કિંમત રૂ. 3.70 લાખ મેળવી હમણાં માતાને બતાવીને આવું છું કહી ફરાર થઇ જનાર કશ્યપ રામાણી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પૂર્વે જ જેતપુર પોલીસે પકડી પાડેલા કશ્યપનો કબ્જો મેળવવા ભક્તિનગર પોલીસે તજવીજ હાથ ધરી છે.
શહેરના ગુંદાવાડી મેઈન રોડ પર રહેતા અને ઘર નજીક જ એન આર જવેલર્સ નામે પેઢી ધરાવતા સંજયભાઇ નીતીનભાઇ રાધનપુરા નામના 41 વર્ષીય વેપારીએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કોઠારીયા ગામમાં રહેતા કશ્યપ કિશોર રામાણીનું નામ આપતાં જણાવ્યું હતું કે,ગઇ તા.01/03/2025 ના બપોરના સાડા ત્રણેક વાગ્યે હું દુકાને હાજર હતો ત્યારે અવારનવાર અમારી દુકાનેથી ખરીદી કરતા કોઠારીયા ગામના કશ્યપભાઈ કિશોરભાઈ રામાણી આવેલ હતા. કશ્યપભાઇ ચાર મહીના પહેલા અમારી જવેલર્સની દુકાનેથી તેમનો જૂનો ચેઇન આપીને નવા ચેઇનની ખરીદી કરી ગયા હતા. મને 22 કેરેટના સોનાના ચેઇન બતાવવા માટે કહેલ જેથી મે 22 કેરેટના બે સોનાના ચેઈન કાઢીને બતાવેલ હતા. જેમાં એક સોનાનો ચેઈન 20,210 ગ્રામ વજનનો તેમજ બીજો સોનાના ચેઇન 26.020 ગ્રામ વજનનો હતો. કશ્યપભાઈએ બન્ને સોનાના ચેઇન થોડીવાર જોઈને બાદ મને કહેલ કે હું બન્ને સોનાના ચેઈન મારા ઘરે જઈને બતાવીને અડધી કલાકમાં પાછો આવું તેમ વાત કરતા જેથી મે આમ નહી ચાલે તેમ કહી મે મારા નાના ભાઇ વિવેકને ફોન કરીને આ કશ્યપભાઇ જોડે વાત કરાવેલ હતી. જેમાં કશ્યપભાઈએ ફોનમાં મારા ભાઇને વાત કરતા વિવેકએ અમે આવી રીતે પેમેન્ટ સિવાય સોનાનો ચેઇન લઈ જવા દેતા નથી અને હું થોડીવારમાં આવું 5છી આપણે વાત કરીએ તેમ ફોનમાં વાત કરેલ હતી.
બાદ કશ્યપએ મને કહેલ કે હું તમારો જૂનો કસ્ટમર છું અને ઘરેણાની અવારનવાર ખરીદી કરું છું તો તમે ખાલી ઘરે લઈ જઈ નહી દો ? હું મારી મમ્મીને બતાવી અડધી કલાકમાં બન્ને સોનાના ચેઇન આપી જાવું તેમ વાત કરતા કશ્યપના પિતા પણ અમારા જુના ગ્રાહક હોય અને કશ્યપ પણ ઘણા સમયથી અમારી દુકાનેથી સોનાના દાગીનાની ખરીદી કરતા હોય જેથી મે વિશ્વાસમાં આવી કશ્યપને બન્ને સોનાના ચેઇન ઘરે લઇ જવા દીધેલ હતું. અડધી કલાક વિતી ગયા પછી પણ કશ્યપ પરત નહિ આવતા મે તેના મોબાઈલ નંબર પર ફોન કર્યા હતા. પ્રથમ મારો અને મારા ભાઈ વિવેકનો ફોન કાપી નાખ્યાં બાદ નંબર બ્લોક કરી દીધેલ હતો. બાદ તા.03/03/2025 ના રોજ હું તથા મારો નાનો ભાઈ વિવેક તેમજ નિશાંત અસલાલીયા, બ્રીજેશભાઇ અસલાલીયા એમ ચારેય જણા કોઠારીયા ગામ લાખા છપ્પર હનુમાનજીના મંદીરની પાછળ આવેલ કશ્યપના ઘરે તપાસ કરવા ગયેલ હતા. ત્યારે તેમના ઘરે તેમની માતા પ્રીતીબેન હાજર હોય અને કશ્યપ હાજર મળી આવેલ નહી. કશ્યપની માતા જોડે મારા પિતાએ વાત કરી બધી વિગતો આપતાં કશ્યપ ઘરે આવે એટલે બન્ને ચેઇન આપી જાશે તેમ તેની માતાએ જણાવ્યું હતું. બાદમાં ટે જ દિવસે કશ્યપ પણ રૂબરૂ તેના ઘર પાસે અમને મળતા સોનાના બન્ને ચેઇન બાબતે ગોળ ગોળ જવાબ આપવા લાગેલ હતો અને રાત સુધીમાં તમને બન્ને સોનાના ચેઇન તમારી દુકાને આપી જાઇશ તેમ વાત કરી હતી પણ ત્યારબાદ કશ્યપે સોનાનો ચેઇન પરત આપ્યો ન હતો. આમ બે સોનાના ચેઇન જેનો વજન 46.240 ગ્રામ કિંમત રૂ. 3.70 લાખની ઠગાઈની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાવી હતી.
દસ તોલાની સોનાની લગડી લઇ છુમંતર થઇ જનાર કશ્યપને બે દિવસ પૂર્વે જ જેતપુર પોલીસે પકડ્યો’તો
કશ્યપ રામાણીની બે દિવસ પૂર્વે જ જેતપુર પોલીસે દસ તોલાની સોનાની લગડી લઈને ફરાર થઇ જવા મામલે ધરપકડ કરી હતી. જેતપુરના અમરનગર રોડ પર રહેતા અને એમજી રોડ પર પટેલ ગોલ્ડ નામે પેઢી ચલાવતા વિપુલભાઇ રણછોડભાઈ સોજીત્રા (ઉ.વ.48)એ જેતપુર સીટી પોલીસમાં કશ્યપ રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તા.06/03/2025 ના રોજ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો ધ્રુવ અને અમારી દુકાનમાં કામ કરતા પ્રવિણભાઈ ચૌહાણ, હર્ષદભાઈ મકવાણા દુકાને હાજર હતા.ત્યારે કશ્યપભાઇ રામાણી મારી દુકાને આવેલ અને મને કહેલ કે, મારે દસ તોલા ચોવીસ કેરેટની સોનાની લગડી જોઈએ છે, તો અત્યારે મળી જશે કે કેમ પૂછતાં મે હા પાડેલ હતી અને દસ તોલા લગડીના રૂ.8, 84,000 ભાવ કહેલ હતા. જેથી કશ્યપભાઈએ મને એડવાન્સ પેટે રૂ. 50 હજાર રોકડા આપેલ હતા. બાદમાં પુત્ર ડિલિવરી આપવા કશ્યપના સરનામે ગયો હતો ત્યારે તે સોનાની લગડી લઈને કારમાંથી પૈસા કાઢીને આપું છું કહી ફરાર થઇ ગયો હતો જે મામલે બે દિવસ પૂર્વે કશ્યપને જેતપુર પોલીસે ઝડપી લીધો હતો.