સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વ-આજથી વિક્રમ સંવત 2081નું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે. આ સાથે જ દાદાના સિંહસને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.

god

આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો બહોળી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મહત્ત્વનું છે કે, આજે દાદાને 5 હજાર કિલોથી વધારે વિવિધ વાનગીનો છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો. જેની આરતી પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. દરબારગઢમાં પણ નૂતનવર્ષે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

god1

પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું કે, દાદાના દરબારમાંથી આપ સૌને જય શ્રીરામ અને જય શ્રીસ્વામિનારાયણ.. આજે હનુમાનજી મહારાજને ભવ્યાતિભવ્ય અન્નકૂટટ ધરાવવામાં આવ્યો છે. 108 મીઠાઈ, 50થી વધુ ફરસાણ અને અનેક પ્રકારના શાકભાજી સાથે દાળભાત દાદાને અર્પણ કરવામાં આવ્યું છે. પાંચ હજાર કિલોથી વધારે આ અન્નકુટ હનુમાનજી મહારાજને જમાડી લાડલા ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. આજે દાદાના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે, અમારું જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ આપ સૌને ગમે એવું જાય એવી પ્રાર્થના..

સુવર્ણ વાઘાની વિશેષતા:-

god3

આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે કષ્ટભંજનદેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.