બજેટ સેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર નરેન્દ્ર મોદી બુધવારે લોકસભામાં ભાષણ આપવાની શરૂઆત કરી હતી. પરંતુ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉપરાંત NDAના સાથી પક્ષ TDPના સાંસદોએ પણ પીએમ મોદીના ભાષણનો વિરોધ કરતાં લોકસભામાં સૂત્રોચ્ચારો કર્યાં હતા. ત્યારે આ અંગે પીએમ મોદીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિના અભિભાષણનું માન જળવાઈ રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. સાથે જ વિપક્ષના વિરોધરૂપી ઝેરની કિંમત સમગ્ર દેશ ચુકવી રહ્યો છે તેવા પ્રહારો કર્યાં હતા.

સરદાર પહેલાં PM હોત તો કાશ્મીરની સમસ્યા જ ઊભી ન થાત

– વિપક્ષના ભારે હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકસભામાં સંબોધન આપવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી નેતાઓ ઉપરાંત સરકારના સાથી પક્ષ TDPએ પણ સૂત્રોચ્ચારો કર્યા હતા.

– વિપક્ષના ભારે હોબાળા વચ્ચે વડાપ્રધાને કોંગ્રેસ પર સતત નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, “કોંગ્રેસના મોઢા પર લોકશાહી શોભા નથી દેતી અને તેઓએ ભાજપને લોકતંત્રનો પાઠ ન ભણાવવો જોઈએ.”
– મોદીએ કહ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલ જો દેશના પહેલાં વડાપ્રધાન બન્યાં હોતો કાશ્મીરની સમસ્યા જ ઊભી ન થાત અને પૂરું કાશ્મીર આપણું જ હોત.”
– પીએમ બોલ્યાં કે, “દશકાઓ સુધી કોંગ્રેસે પોતાની તમામ ઉર્જા એક જ પરિવારની સેવામાં લગાવી દીધી અને દેશના હિતને એક પરિવારના હિતને થઈને અવગણ્યું હતું.”
– મોદીએ સુરજેવાલાનો પણ ઉલ્લેખ કરી, રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે વરણીને લઈને સવાલો કર્યાં હતા.
– મોદીએ કહ્યું કે જો કોંગ્રેસ જમીન સાથે જોડાયેલી રહી હોત તો આજે તેમની આવી હાલત ન થઈ હોત.

કોંગ્રેસના નેતાઓએ એક જ પરિવારના લોકોને પૂજ્યાં છે

– મોદીએ કહ્યું કે, “કોંગ્રેસે જો સારી નીયત અને યોગ્ય દિશા રાખી હોત તો દેશ આજે જ્યાં છે ત્યાંથી ઘણો જ આગળ હોત.”
– મોદીએ કહ્યું કે, “ભારતનું લોકતંત્ર નહેરૂ અને કોંગ્રેસે આપેલું નથી, દેશનું અસ્તિત્વ તેની પહેલાં પણ હતું.”
– સાથે જ વડાપ્રધાને ગાંધી પરિવાર પર મોટો હુમલો કરતાં કહ્યું કે, “કોંગ્રેસના નેતાઓએ એક જ પરિવારના લોકોને પૂજ્યાં છે.”
– આ ઉપરાંત મોદીએ મણિશંકર ઐય્યરના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ઐય્યરે રાહુલને અધ્યક્ષ બનાવવા અંગે નિવેદન આપ્યું હતું.
– વડાપ્રધાને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉપયોગ કરાયેલી બશીર બદ્રની શાયરીનો ઉલ્લેખ કર્યો હતો જેના જવાબમાં પીએમએ શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે, “ઈચ્છા તો થાય છે કે સત્ય બોલીએ, પરંતુ શુ કરીએ હિંમત નથી હોતી.”
– આ ઉપરાંત મોદીએ કહ્યું કે, “જે દેશો ભારત પછી આઝાદ થયાં છે તેઓ પણ આપણાંથી વધુ ઝડપથી વિકસિત થયાં છે. કોંગ્રેસે ભારત માતાના ટુકડા કરી દીધાં હતા છતાં લોકોએ તેનો સાથ આપ્યો હતો.”

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.