- નિંદ્રાધીન હાલતમાં પતિ-પત્ની, સાત માસની પુત્રી તથા માતાનું ગૂંગળાઇ જવાથી મોત
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ગત રવિવારે વહેલી સવારે એક પરિવારના રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા નિંદ્રાધીન અવસ્થામાં રહેલા એક યુવાન, તેમના પત્ની અને માતા તેમજ સાત માસની માસૂમ પુત્રીના ગૂંગળાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે મકાનની નીચેના ભાગમાં રહેલા 80 વર્ષના દાદીમાંનો ચમત્કારિક બચાવ થયો હતો.
અરેરાટીભર્યા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા આદિત્ય રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા પાવનભાઈ કમલેશભાઈ ઉપાધ્યાય નામના ૩૧ વર્ષના ગુંગળી બ્રાહ્મણ યુવાન તેમના ઘરે રાત્રિના સમયે સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સમયે બે માળના મકાનના પહેલા માળે આગ ભભૂકી ઉઠી હતી.
રૂમાં રહેલા પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું અને બંધ રૃમમાં ગુંગળાઈ જવાના કારણે પાવનભાઈ ઉપરાંત તેમના ધર્મપત્ની તિથિબેન પાવનભાઈ ઉપાધ્યાય (ઉ.વ. ૨૯) અને આશરે સાત માસની માસૂમ પુત્રી ધ્યાના તેમજ તેમના માતા ભાવિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૫૧) રૂમની બહાર નીકળી ન શકતા અહીં જ મૂર્છિત હાલતમાં રહી ગયા હતા. આગની જાણ ઇમરજન્સી ૧૦૮ તથા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી મકાનની કાચની બારીઓ તોડી અંદર રહેલા પરિવારના સભ્યોને બહાર કાઢી દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઘટના દરમિયાન તેમના ઘરમાં રહેલા પાવનભાઈ ઉપાધ્યાયના આશરે ૮૦ વર્ષની ઉંમરના દાદીમાનો ચમત્કારિક બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસ સ્ટાફે પણ તુરંત ઘટના સ્થળે પહોંચી અને જરૃરી કાર્યવાહી કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સકટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એક સાથે એક જ પરિવારના ચાર સદસ્યો આગના કારણે મૃત્યુ પામતા સમગ્ર દ્વારકા સાથે ગુગળી બ્રાહ્મણ સમાજમાં પણ ઘેરા શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ : એફએફએલની મદદ લેવાઈ
દ્વારકામાં બનેલી આગની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો ભડથું થઈ ગયા છે. જેમાં મૃત્યુ પામેલા લોકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય (ઉ.વ. 30), તિથિ પવાન ઉપાધ્યાય (ઉ.વ.27), ધ્યાના (ઉ.વ.7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)નું મોત નીપજ્યું છે. હવે આ આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.
ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત : સાત લોકોને ઇજા
સાયલા ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં કાકા ભત્રીજાના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે કારને અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર છે. તમામ લોકો લીંબડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.