- પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
- સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ
- કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 08 વર્ષ દરમિયાન 97 હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ
- અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 17,600 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા
- આ અભિયાનમાં 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે
ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે 1962 હેલ્પલાઇન નંબર સેવારત
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015 થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં આવતીકાલે તા. 10 થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી વિગતો આપતા જણાવ્યું હતું
મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ.સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ 65,700 થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં ૨,૪૦૦ જેટલા પશુઓ અને ૧૫,૨૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણાઅભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ‘કરૂણા અભિયાન-૨૦૨૫’ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે.
સાથે જ, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત 50 જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ, રાજ્ય મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4,400 થી વધુ પશુઓ અને 9,300 થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા 08 વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં 13,300 થી વધુ, વડોદરા જિલ્લામાં 10,700 થી વધુ, રાજકોટ જિલ્લામાં 8,300 થી વધુ, આણંદ જિલ્લામાં 6,800 થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં 6,100 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.