૭૫થી વધુ બોડી બિલ્ડરોએ સ્પર્ધામાં ભાગ લીધો: મુંબઈથી બોડી બિલ્ડર સંઘ્યા યાદવ, માઝ બીલાખીયા, સચિન સાવંત સહિતના ઉપસ્થિત રહ્યા
વિજેતાઓને રોકડ પુરસ્કાર, પ્રોટીન પાવડર અને શિલ્ડ આપી નવાઝાયા
બજરંગબલી હનુમાનજીનાં જન્મોત્સવના ત્રીજા દિવસે રાજકોટનાં રેસકોર્ષ સ્થિત રમેશ પારેખ રંગભવન ખાતે બોડી-બિલ્ડીંગ એસોસીએશન, રાજકોટ દ્વારા મી.સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ ચેમ્પયનશીપ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ૭૫થી વધુ બાહુબલીઓએ શરીરનું સૌષ્ઠવનું પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં સ્પર્ધકોને યોગ્ય રીતે પ્રોત્સાહન પુરુ પાડવા ઈવોલ્યુશન સ્પોર્ટસ ન્યુટ્રીશન કાૃં. તેમજ મુંબઈથી બોડી બિલ્ડર સંઘ્યા યાદવ, માઝ બીલાખીયા, સમઝ સૈયદ તેમજ સચિન સાંવત વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
મસલ્સ એન્ડ ફીટનેસ જીમના જીજ્ઞેશ રામાવતે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિતે સૌરાષ્ટ્ર બોડી-બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે થોડુ હટકે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો, કસરતો માટે પુરતો સમય નહીં ફાળવવાના કારણે અને પુરતો પ્રોટીનયુકત ખોરાક નહીં લેવાને કારણે સૌરાષ્ટ્રમાં યુવાનો આ ક્ષેત્રે આશાસ્પદ છે પરંતુ હજુ રાષ્ટ્રીય સ્તરે ઘણા જ પાછળ છે. જોકે અગાઉ કરતા આ ક્ષેત્રે ચિત્ર ઘણુ ખરું સુધરી ગયું છે. આ સ્પર્ધામાં પર્સનાલીટી, પોઝીંગ અને ફ્રી રાઉન્ડની ૬ કેટેગરીમાં ૭૫થી વધુ સ્પર્ધકોએ પોતાના કૌવત બતાવ્યાં હતા. આ ક્ષેત્રે વધુને વધુ જાગૃતિ આવે તેવા અમારા પુરતા પ્રયાસ છે.