આગામી 15 દિવસ સુધી કાર્તિક-કયારા સહિત સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવ શુટીંગ કરશે: આજે રાતે ફરી કાફલો શુટીંગ કરશે
ગોંડલનાં રાજવી પેલેસ ખાતે હિન્દી ફિલ્મના શુટીંગનો ગઇકાલ રાત્રીથી પ્રારંભ થયો છે. બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને ગોંડલ રવાના થયા હતા.તેમની સાથે અકાદ ડઝન સ્ટાફ પણ આવ્યો છે. કાર્તીક આર્યને ગઇકાલે વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે કાર્તીક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલીવુડ સ્ટાર છે. ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જયાં 15 દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે. ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે.
પેલેસની બહાર ખાણી પીણી તેમજ ફૂલની લારીઓની માર્કેટ ઉભી કરવામાં આવી હતી જેમાં બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન લાલ કલરનું સ્કુટર ચલાવતો હોય તેવુ શૂટ કરવામાં આવ્યું હતું. તેમજ રિવર સાઈડની બહાર આવેલ લોખંડની ગ્રીલ કુદી ને અંદર જવાનો ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન પ્રયાસ કરતો હોય તેવુ શૂટ કરવામાં આવ્યું હતું.
કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે. ગઇકાલે રાત્રીના શુટીંગ શરૂ થયા બાદ વહેલી સવારના 4 વાગ્યા સુધી શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમુક કલાકારો રાજકોટ અને અમુક કલાકારો ગોંડલમાં રોકાયા હતા.