વાહે… ગુરૂજી…!!!
ગુરુનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતી નિમિતે કતારપુર ગુરુ દ્વારા કોરીડોરના કામને બંને દેશો દ્વારા ગ્રીન સિગ્નલ
આજે ગુરુનાનક જયંતિના પવિત્ર અવસર પર શીખોના કતારપુર ગુરુદ્વારા કોરીડોરનું આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી નિર્માણ કરાશે. સરકારના આ નિર્ણય સાથે હવે નિર્ણય પાકને માથે છે. મહત્વનું છે કે કતારપુર સાહેબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લાનાં છે જે પંજાબમાં આવે છે આ જગ્યા લાહોરથી ૧૨૦ કિલોમીટર દુર છે.
જયાં ગુરુદ્વારા છે. આ પવિત્ર સ્થાન ઉપર જ ૨૨ સપ્ટેમ્બ ૧૫૩૯માં ગુરુનાનક દેવે તેમનો અંતિમ શ્વા લીધો હતો. તે સમયે પાકિસ્તાન અખંડ ભારતનું અભિન્ન અંગ હતું. ગુરુદ્વારાની સાથે સાથે ૫૧ શકિત પીઠમાનું મહત્વનું એક શકિતપીઠ હિંગળાજ માતાનું મંદિર પણ પાકિસ્તાનના બલુચિસ્તાન આવેલું છે. જેમાં વર્તમાન સમયમાં પણ હિન્દુઓ દ્વારા નવરાત્રી સમયે પુજા કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં આવેલા કતારપુરનું ગુરુદ્વારા ભારતીય બોર્ડર પરથી જોઈ શકાય છે. કતારપુર કોરીડોર શીખો માટે સૌથી પવિત્ર જગ્યા છે. આ પવિત્ર જગ્યા પર જ ગુરુનાનક સાહેબનું નિધન થયું હતું. ત્યારબાદ જ અહીં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું. ગુરુનાનક સાહેબે આ સ્થાન પર જ ૧૮ વર્ષ વિતાવ્યા હતા. આ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાન બોર્ડરથી માત્ર ત્રણ કિલોમીટર દુર છે. આ પવિત્ર સ્થાનના દર્શન કરવા ભારતીયો બોર્ડર સુધી પહોંચી જાય છે.
ઉલ્લેખનીય છે કે આ ગુરુદ્વારા રાવી નદીની નજીક આવેલું છે અને ડેરા સાહેબ રેલવે સ્ટેશનથી ચાર કિલોમીટર દુર છે. આ ગુરુદ્વારા ભારત પાકિસ્તાન સીમાની ખુબ જ નજીક છે. પાકિસ્તાન ઓથોરીટી દ્વારા પણ એ વાતનું ખાસ ધ્યાન રખાય છે કે આ પવિત્ર જગ્યાની આસપાસ મોટા પ્રમાણમાં ઘાસ ન ઉગે જેથી બોર્ડર પરથી જ ગુરુદ્વારના દર્શન ભાવિકો કરી શકે. મે ૨૦૧૭માં અમેરિકાની એક એનજીઓએ ઈકો શિખે આ જગ્યાની આસપાસ ૧૦૦ એકરમાં જંગલનો પ્રસ્તાવ પણ મુકયો હતો.
મહત્વનું છે કે, કતારપુરમાં આવેલા આ ગુરુદ્વારાની બિલ્ડીંગ લગભગ ૧,૩૫,૬૦૦ રૂપિયાની લાગતથી તૈયાર થઈ છે. આ રકમને પટીયાલાના મહારાજા સરદાર ભુપિંદર સિંહે દાનમાં આપી હતી ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં પાકિસ્તાનની સરકારે તેનું સમારકામ કરાવ્યું હતું અને વર્ષ ૨૦૦૪માં તે કામ પૂર્ણ થયું હતું. ૨૦૦૦માં પાકિસ્તાને ભારતથી આવતા શીખ શ્રદ્ધાળુઓ માટે બોર્ડર પર એક પુલ બનાવી વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે ૨૦૧૭માં સંસદીય સમિતિએ બંને દેશના સંબંધો વણસ્યા હોવાનું જણાવાયું અને કોરીડોર સંભવ ન હોવાનું કહ્યું હતું.
કેન્દ્ર સરકારે આ પર્વ ઉપર ગુરુદાસપર જિલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કતારપુર કોરીડોરનું નિર્માણ કરશે. જયાં દરેક જરૂરી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ કોરિડોરથી લોકોને કતારપુર સાહેબ જવામાં મદદ મળશે. આ સાથે જ પાકિસ્તાન સરકારને પણ અપીલ કરાશે કે તેઓ પોતાના હિસ્સાની પણ સુવિધાઓ વધારે મહત્વનું છે કે ગુરુનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે ભારત પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીઓએ ભેગા થઈ આ પવિત્ર સ્થાનને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવાનું જણાવ્યું છે. ૨૦૧૯ સુધીમાં કોરિડોર બનાવવાનું કામ પૂર્ણ થશે. પાકિસ્તાન સરકારે પણ ભારતના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
મહત્વનું છે કે ઈમરાન ખાનની તાજપોશી સમયે પાક. ગયેલા નવજોતસિંહ સિધુએ આ ગુરુદ્વારામાં માથુ ઝુકાવ્યું હતું જેને લઈ ઘણો ઉહાપોહ થયો હતો. ભારતની બોર્ડર પરથી જ હાલ ૩૮૦૦ જેટલા શીખ શ્રદ્ધાળુઓ આ ગુરુદ્વારાના દર્શન કરે છે. ભારત-પાકિસ્તાનના કોરીડોરના પ્રયાસથી બંને દેશ નજીક આવી રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. મહત્વનું છે કે, આ સાથે જ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગોલ નદી પર હિંગળાજમાં હિન્દુ મંદિર છે તે હિન્દુ દેવી સતીને સમર્પિત છે અને ૫૧ શકિતપીઠ માનું એક છે. અહીં પણ પાકિસ્તાનના કેટલાય હિન્દુ-મુસ્લિમ સમુદાયો દ્વારા પુજા અર્ચના કરવામાં આવે છે.
કતારપુર, ગુરુદ્વારા કોરીડોરનું કામ ખુબ જ ઝડપથી શરૂ કરાશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ કામની પાકિસ્તાન દ્વારા પહેલ કરવામાં આવશે. આ કામ રાષ્ટ્રપતિના હસ્તે ૨૬ નવેમ્બરથી શરૂ કરાશે.