સવાશેર બગીચામાં થૂંક ઉડવાના પ્રશ્ને…
એક માસ પૂર્વે નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખસે કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ
પશ્ચિમ કચ્છના અંજારના અંબાજી મંદિર નજીક વિજયનગરમાં એક માસ પૂર્વે નજીવી બાબતે થયેલી બોલાચાલી અને સવાશેર બગીચામાં થૂંક ઉડવાના પ્રશ્ર્ને કાયદો અને વ્યવસ્થાનો રખેવાળ કરનાર હેડ કોન્સ્ટેબલની સરાજાહેર કરપીણ હત્યાના બનાવે કચ્છ પંથકને હચમચાવી નાખ્યું છે. આ બનાવને પગલે પશ્ચિમ કચ્છના પોલીસવડા અને ઉચ્ચ અધિકારીઓ દોડી જઈ નાસી છુટેલા હત્યારાને ઝડપી લેવા દોડધામ આદરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ-ભૂજના દયાપર પોલીસ મથક ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ અંજાર ખાતે રાઘવ રેસીડેન્સીમાં રહેતા વિજયકુમાર ખીમજીભાઈ ચૌહાણ નામના યુવાનની ગત સાંજે વિજયનગરમાં આવેલા અંબાજી મંદિર પાસે કુહાડીના ઘા ઝીંકી સુનિલ નારણ મહેશ્ર્વરી નામના શખસે કરપીણ હત્યા નિપજાવ્યાની મૃતકના ભાઈ અશોકકુમાર ખીમજીભાઈ ચૌહાણે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક વિજયભાઈને એક મહિના પહેલા આરોપી સુનિલ નારણ મહેશ્ર્વરી નામના શખસ સાથે બોલાચાલી થયા બાદ ચાર દિવસ પૂર્વે સવાશેર બગીચામાં ફરી થૂંક ઉડવાના પ્રશ્ર્ને થયેલી માથાકૂટનો ખાર રાખી સુનિલ મહેશ્ર્વરી નામના શખસે કુહાડીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં કોન્સ્ટેબલ વિજયભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં અંજાર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.જાડેજાએ આરોપી સુનિલ મહેશ્ર્વરી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.