- ગાંધીનગરને રૂ.101 કરોડ, અમદાવાદને રૂ.180.64 કરોડ, જામનગરને રૂ.177.97 કરોડ અને સુરતને રૂ. 12 કરોડ, ઔડાને રૂ. 451.26 કરોડ, રૂડાને રૂ. 11.61 કરોડ, સુડાને રૂ. 20.43 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસ કામો માટે 1,416 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત એમ 4 મહાપાલિકાઓને 471.61 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ અંતર્ગત ગાંધીનગર મહાપાલિકાને આંતરમાળખાકીય અને આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. 83.50 કરોડ ફાળવવામાં આવ્યાાં છે. આ કામોમાં બાસણ, ધોળાકુવા, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ તથા વાસણા હડમતિયા ગામતળ અને વિવિધ ટીપી વિસ્તારમાં સ્ટોર્મ નેટવર્ક ડેવલપમેન્ટ તેમજ રાયસણમાં 80 મીટર રોડ બાંધકામ અને ટીપી-9માં ડ્રેનેજ લિફ્ટીંગ સ્ટેશન જેવા આંતરમાળખાકીય વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના પીડીપીયુ ક્રોસ રોડથી ગિફ્ટ સિટી સુધી 80 મીટર રોડના બાંધકામ સહિતના વિકાસ કાર્યો માટે રૂ. 17.5 કરોડ ફાળવવામાં આવ્યાં છે.
અમદાવાદ મહાપાલિકામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સી.સી. રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પેવર બ્લોક માટેના કુલ 789 વિકાસ કામો માટે રૂ. 180.64 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જામનગર મહાપાલિકામાં વિવિધ વિકાકાર્યો માટે કુલ રૂ. 177.97 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ અંતર્ગત જામનગર શહેરમાં ઠેબા સર્કલ અને સમર્પણ સર્કલ પર બે ફ્લાયઓવરના નિર્માણ માટે રૂ. 115 કરોડ ફાળવાયા છે, જ્યારે જામનગર મહાપાલિકાને સીએનજી બસ સંચાલન માટે રૂ. 1.97 કરોડ અને ઓડિટોરીયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સ્માર્ટ લાઈબ્રેરી અને શહેરમાં સુવિધાસભર લાઈબ્રેરી માટે રૂ. 61 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરત મહાપાલિકાને ઢોર નિયંત્રણ માટે ફેઝ-2 અંતર્ગત આદર્શ મ્યુનિસિપલ ઢોર ડબ્બાના નિર્માણ માટે રૂ. 12 કરોડ ફાળવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ ચાર મહાનગરપાલિકાઓ ઉપરાંત ઔડા, સુડા અને રૂડા એમ 3 શહેરી વિકાસ સત્તામંડળોને પણ આ યોજના અન્વયે જુદા જુદા વિકાસ કામો હાથ ધરવા માટે કુલ રૂ. 483.30 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)ના મહેમદાવાદ, દહેગામ અને સાણંદ નગરપાલિકાના વિસ્તારમાં સીવરેજ નેટવર્ક અને સીવરેજ પ્લાન્ટ તથા સાણંદ ટાઉનમાં પાણી પુરવઠા સુવિધા જેવા આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. 451.26 કરોડની ફાળવણી કરી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(રૂડા) વિસ્તારના વિવિધ વિકાસકામો માટે કુલ રૂ. 11.61 કરોડની ફાળવણી કરી છે. જેમાં અર્બન ફોરેસ્ટ રામવનને રિંગ રોડ-2 સાથે જોડતા તેમજ નેશનલ હાઈવે-27ને રિંગ રોડ-2 ને જોડતા કનેક્ટીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે 45 મીટર રસ્તાની કામગીરી માટે રૂ. 8.50 કરોડ ફાળવવામાં આવ્યાં છે. તેમજ ગોંડલ હાઈવેથી જેટકો ટાવર સુધી અને કાંગશીયાળી આઉટગ્રોથ વિસ્તારની ઘણી સોસાયટીઓને કનેક્ટિવિટી આપવા માટે રૂ. 3.11 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના ઓલપાડ તાલુકાના બલકસમાં તળાવ અને પલસાણા તાલુકાના અંતરોલીમાં ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ. 20.43 કરોડની ફાળવણી કરી છે. ભૂગર્ભ ગટર યોજના ફેઝ-2ના કામો માટે અમૃત 2.0 હેઠળ નક્કી કરાયા મુજબ રૂ. 10 કરોડ કે તેથી ઓછી રકમના કામો માટે નગરપાલિકા મારફતે અને રૂ. 10 કરોડથી વધુ રકમના કામો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની અમલીકરણ સંસ્થા તરીકે કાર્ય કરે છે.
મુખ્યમંત્રીએ અગાઉ આ યોજના અંતર્ગત નવીન કામો માટે 116 શહેર માટે 57 નગરપાલિકાઓના કામો માટે રૂ. 2,525 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે, આ 57 નગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂગર્ભ ગટર યોજના ભાગ-2ના વિકાસ કામો માટે વધુ 9 નગરપાલિકાઓને કુલ રૂ. 283.27 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અન્વયે જીયુડીસી અંતર્ગત વિજાપુર, છોટાઉદેપુર, પેટલાદ, સાવરકુંડલા, પાદરા અને રાધનપુર નગરપાલિકાઓને રૂ. 256.93 કરોડ અને નગરપાલિકાઓ અંતર્ગત લુણાવાડા, ખેરાલુ અને હળવદને 26.34 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત માણસા, પાલનપુર, પાદરા, બાબરા, વેરાવળ-પાટણ, કઠલાલ, નખત્રાણા, વાઘોડિયા, અમરેલી, માંડવી(કચ્છ), વડનગર અને સાવરકુંડલાને આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના વિકાસ, આગવી ઓળખ, ખાનગી સોસાયટી ભાગીદારી યોજના, નવા નગર સેવા સદન બનાવવા, ઢોર નિયંત્રણ તેમજ પાણી પુરવઠા સહિતના કામો માટે લગભગ રૂ. 75 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવા માટે નગરપાલિકાના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટમાંથી રોડ રિસરફેસિંગ ઉપરાંત થર્મો પ્લાસ્ટિક રોડ પેઈન્ટ, કર્બ પેઈન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ તેમજ રોડ સેફટીના કામો કરવામાં આવશે. આ અંતર્ગત અ-વર્ગની 22 નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. 1 કરોડ, બ-વર્ગની 30 નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. 80 લાખ, ક-વર્ગની 60 નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. 60 લાખ તથા ડ-વર્ગની 45 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા રૂ. 40 લાખની ગ્રાન્ટ મળીને કુલ રૂ. 100 કરોડની મંજૂરી આપી છે.