જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા: નાગૌર જિલ્લાના તેમના પૈતૃક ગામમાં અંતિમ વિધિ
રાજપુત સમાજની અસ્મિતાના રખોયા કરનાર કરણી સેનાના સ્થાપક કાલવીના રાજવી લોકેન્દ્રસિંહ કલ્યાણસિંહ સિસોદીયા (ઉ.વ.67) નું આજે વહેલી સવારે દુ:ખદ નિધન થતા કરણી સેનાના લાખો કાર્યકરોમાં ઉંડા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સમાજે એક લડવૈયા સેવક ગુમાવ્યા હોવાની પ્રતિતિ થઇ રહી છે.
કરણ સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કલ્યાણસિંહ સિસોદીયાને ગત જુન 2022માં બ્રેઇન સ્ટોક આવ્યો હતો તેઓ રાજસ્થાનના જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. લાંબી બિમારી બાદ આજે સવારે હ્રદય રોગનો તિવ્ર હુમલો આવતા લોકેન્દ્રસિંહનું નિધન થયું હતું. તેઓના પાર્થિવ દેહને જયપુરના રાજપુત સભા ભવન ખાતે રાખવામાં આવ્યો છે. કાળવીના ઠાકોર સાહેબના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો અને સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉમટી પડયા હતા.
લોકેન્દ્રસિંહ સિસોદીયાની અંતિમ વિધિ નાગૌર જિલ્લાના તેમના પૌતૃક ગામ ખાતે બપોરે કરવામાં આવ્યા હતા. હજારો લોકોએ અશ્રુભીની આંખે પોતાના હ્રદય સમ્રાટ રાજવી અને લડાયક નેતાને અંતિમ વિદાય આપી હતી. લોકેન્દ્રસિંહ રાજપુત સમાજની અસ્મિતાને લઇ ખુબ જ જાગૃત હતા તેઓના પિતાશ્રી કલ્યાણસિંહજી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હતા. તેઓ પોતાની પાછળ બે પુત્ર ભવાનીસિંહ અને પ્રવિણસિંહને વિલાપ કરતા છોડી ગયા છે. વર્ષ 2006માં તેઓઅ કરણી સેનાના સ્થાપના કરી હતી. તેઓ રમત ગમતમાં પણ ભારે રૂચી ધરાવતા હતા. શુટીંગમાં તેઓ નેશનલ ચેમ્પિયન રહી ચૂકયા છે.
કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. જાડેજાએ લોકેન્દ્રસિંહના નિધન બદલ ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી. તેઓએ શ્રઘ્ઘંજલી અર્પતા જણાવ્યું હતું કે લોકેન્દ્રસિંહના નિધનથી માત્ર રાજપુત સમાજ જ નહી દેશને એક લડાયક અને જાગૃત પ્રહરીની ખોટ પડી છે. તેઓએ જે ઇરાદા સાથે કરણી સેનાની સ્થાપના કરી છે તે તમામ ઇરાદાને આગળ વધારવામાં આવશે.