કર્ણાટકે તેની નવી આઈટી પોલીસી ઘડી કાઢી છે. કર્ણાટકની ઈન્ફોર્મેશન એન્ટ ટેકનોલોજી ૨૦૨૦-૨૫ પોલીસી આગામી પાંચ વર્ષમાં દેશમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે ૬૦ લાખ રોજગારી ઉભી કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે અનેકવિધ પ્રકારના ફેરફારો પણ અમલમાં મુકી વિદેશી રોકાણકારોને આકર્ષવા આ નીતિ મહત્વપૂર્ણ ફાળો આપે તેવી શકયતા દર્શાવવામાં આવી છે.
લાંબા સમયથી ચાઈના સસ્તી પ્રોડકટ માટે વિશ્ર્વમાં વિખ્યાત છે. જેનું કારણ એ છે કે, પ્રથમથી જ ચાઈના ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પર ભાર મુકતું આવ્યું છે. ચાઈનાએ અસંખ્ય પ્રોડકટની મોનોપોલી પોતાના નામે કરી છે જેના કારણે તે સસ્તી પ્રોડકટ વૈશ્ર્વિક બજારમાં મુકવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સતત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને મજબૂત બનાવતું આવ્યું છે. જેના કારણે નવી-નવી પ્રોકડટનું સંશોધન થતું આવ્યું હોય નવીનતમ ટેકનોલોજી યુક્ત પ્રોડકશન કરવામાં ચાઈના ઉત્તરોતર સફળ રહ્યું છે.
કોરોનાને કારણે ચાઈનાએ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વસનીયતા ગુમાવી છે. જેના કારણે ભારતને ચાઈનાનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ બનીને ઉભરી આવવાની તક સાપડી છે. પરંતુ ફકત વાત કરીને રાજીપો વ્યકત કરવાથી કામ નહીં, બને તે બાબતથી ભારતનું સૌથી મોટુ આઈટી કલસ્ટર ધરાવતું કર્ણાટક રાજ્ય અવગત થયું છે. કર્ણાટકે આઈટી ક્ષેત્રમાં નવી પોલીસી જાહેર કરી છે. જેમાં આઈપી ક્રિએશન અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને વધુ મજબૂત બનાવવું તેમજ દેશમાં ૬૦ લાખ રોજગારી ઉભી કરવા સહિતની બાબતનો સમાવેશ કરાયો છે. નવી આઈટી પોલીસીમાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોને બેંગ્લોર સિટીથી બહાર સ્થાન આપવું જેનાથી ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે હાલાકીનો સામનો ન કરવો પડે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીતિમાં તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવે ડિજિટલ ઈન્ફાસ્ટ્રકચર તરફ ધ્યાન દેવાની તાતી જરૂરીયાત હોવાથી બીજા અને ત્રીજા તબક્કામાં ડિજીટલ ઈન્ફાસ્ટ્રકચર તેમજ શ્રમિક વર્ગને ડિસ્ટ્રીબ્યુટ કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે, બેંગ્લોર વિશ્ર્વનું સૌથી મોટુ ચોથા નંબરનું આઈટી ટેકનોલોજી કલસ્ટર ધરાવે છે. વિશ્ર્વની અનેકવિધ આઈટી કંપનીઓનું આર એન્ડ ડી સેન્ટર બેંગ્લોર ખાતે આવેલું છે.
નવી પોલીસી અનુસંધાને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સી.એન.અશ્ર્વનાથ નારાયણે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટના બીજા અને ત્રીજા તબક્કામાં અમે ૬૦ લાખ જેટલા પ્રત્યેક્ષ અને પરોક્ષ રોજગાર ઉભા કરવાનું ઈચ્છીએ છીએ. નવી નીતિમાં ઓછામાં ઓછી જગ્યામાં ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરી કાર્યરત થતાં યુનિટોને રૂા.૨ કરોડની રોકડ સહાય કરાશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત લીઝમાં પ્રતિ વર્ષ રૂા.૩ લાખની સહાય આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. નારાયણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, દેશનું એક ટ્રીલીયન ડોલર ડિજીટલ ઈકોનોમીના લક્ષ્યાંકમાં કર્ણાટક ૩૦૦ બીલીયન ડોલર એટલે કે, ૩૦ ટકા જેટલો મહત્વપૂર્ણ ફાળો આપશે. ગત પંચવર્ષીય નીતિ કે જેની શરૂઆત વર્ષ ૨૦૧૪માં કરાઈ હતી. તેમાં કર્ણાટક રાજ્યને રૂા.૬૭૨૮ કરોડનું રોકાણ મળ્યું હતું. જેમાં ૧,૭૩,૦૦૦ જેટલી નવી રોજગારી ઉત્પન્ન કરાઈ હતી. જે પ્રમાણે આગામી નીતિમાં નવો લક્ષ્યાંક મુકી કર્ણાટક રાજ્ય આઈટી ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવા સજ્જ બન્યું છે.
કર્ણાટક રાજ્ય રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને ગુણવત્તા જાળવવા રૂા.૧ કરોડની આર્થિક સહાય કરશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ કર્ણાટકની કેબીનેટ મંત્રાલયની બેઠકમાં નવી સાયબર સિક્યુરીટી પોલીસી બનાવવા અંગે પણ નિર્ણય કરાયો છે. જેમાં ડેટા પ્રોટેકશન અંગે બેંક બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.