સિદ્ધારમૈયા અને શિવકુમાર બન્નેનું એડી ચોટીનું જોર : 2/3 વર્ષની ફોર્મ્યુલા માટે નનૈયો : સીએમની પસંદગીને લઈને કોંગ્રેસ પણ અવઢવમાં
કર્ણાટકમા પબ્લિકનો ક્લિયર મેન્ડેટ હોવા છતાં મુખ્યમંત્રી પદનું કોંકડું ગુંચવાયું છે. સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમાર બન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ 2/3 વર્ષની ફોર્મ્યુલા માટે પણ નનૈયો ભણાયો છે. એવામાં સીએમની પસંદગીને લઈને કોંગ્રેસ અવઢવમાં મુકાઈ ગઈ છે.
કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો બહુમતી સાથે વિજય થયા બાદ રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવા દોડધામ જોવા મળી રહી છે.દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેએ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલાશે. જો કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની પસંદગીનો છે.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે વરિષ્ઠ નેતાઓ સુશીલ કુમાર શિંદે, જીતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયાને નિરીક્ષકો તરીકે નિમણૂક કરી છે. દરમિયાન મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 2 ઉમેદવારો ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ દબાણ કર્યું છે.
અગાઉ સિદ્ધારમૈયા અને ખડગેએ લગભગ દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે ઘણા વિકલ્પો અને પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સિદ્ધારમૈયા પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાને પણ અલગ-અલગ મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેએ રાજધાનીમાં જ ધામા નાખ્યા છે અને આજે તેઓને આગામી રાઉન્ડની બેઠક માટે ફરીથી બોલાવવામાં આવી શકે છે.
સિદ્ધારમૈયાએ પોતાનો દાવો રજૂ કરતા કહ્યું છે કે તેમને મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે શિવકુમાર તરફથી કહેવામાં આવ્યું છે કે પાર્ટીના દિગ્ગજ નેતા એક સંપૂર્ણ ટર્મ માટે મુખ્યમંત્રી રહ્યા છે અને હવે પાર્ટી ચીફ હોવાથી તેમને તક આપવી જોઈએ. કર્ણાટકની જંગી જીતને ટાંકીને તેમણે પોતાના માટે ટોચનું પદ માંગ્યું છે. જો કે પૂર્વ મુખ્યમંત્રી રેસમાં આગળ છે, પરંતુ શિવકુમારના આગ્રહથી મામલો જટિલ બન્યો છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે રાજ્ય પક્ષના વડાએ કહ્યું છે કે જો તેમને મુખ્ય પ્રધાન પદ નહીં આપવામાં આવે તો તેઓ સરકારમાં જોડાશે નહીં.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે હજુ પણ થોડી સમસ્યા છે, નહીંતર મંગળવારે જ બધું સ્પષ્ટ થઈ ગયું હોત.” હવે આજે બુધવાર બપોર સુધી શક્ય બનશે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે બંને નેતા સાથેની ચર્ચામાં રોટેશનલ ધોરણે કાર્યકાળ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, આ શરતે શિવકુમારે સીએમ બનવાનો ખુલ્લેઆમ ઈન્કાર કરી દીધો છે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે ત્રણ વિશેષ નિરીક્ષકોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલા ગુપ્ત મતદાનમાં સિદ્ધારમૈયાને બહુમતી મળી હોવા છતાં, શિવકુમાર રેસમાંથી હટતા નથી. તેમણે કહ્યું, “કર્ણાટક કોંગ્રેસના વડા દાવો કરી રહ્યા છે કે તેમણે પાર્ટીને જીત અપાવી છે અને તેથી તેઓ મુખ્યમંત્રી પદના લાયક છે.”
કોંગ્રેસના એક કાર્યકર્તાએ કહ્યું કે શિવકુમાર યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેને મળવા માંગતા હતા પરંતુ સોનિયા શિમલામાં હોવાથી તેમને મળી શક્યા નહીં. શિવકુમાર આજે તેમને મળી શકે છે. મંગળવારે બેંગલુરુથી નીકળતી વખતે શિવકુમારે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન (પક્ષ) અને માતા (સોનિયા) જાણે છે કે બાળકોને શું જોઈએ છે. હું મંદિરમાં મારા ભગવાનને મળવા જાઉં છું. હું એકલો જાઉં છું જનરલ સેક્રેટરીએ મને એકલા આવવા કહ્યું. આપણે કોંગ્રેસને મજબુત બનાવવી પડશે. માતા પોતાના બાળકને બધું આપે છે. આ પહેલા સોમવારે કર્ણાટકના ત્રણ નિરીક્ષકોએ ખડગેને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. પાર્ટીના નેતાઓ વચ્ચે પાંચ કલાક સુધી ચર્ચા ચાલી. એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને સીએમ બનાવવાનું સમર્થન કર્યું છે. હવે માત્ર કર્ણાટક જ નહીં, દેશભરના લોકોની નજર કોંગ્રેસની આજની બેઠક પર છે, જ્યાંથી રાજ્યના નવા સીએમ અંગે નિર્ણય લેવાનો છે.