ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવાશે, શુ શરતોને આધીન મનાવાયા તેની પક્ષ દ્વારા કોઈ જાહેરાત નહિ : આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક, મંત્રીમંડળના નામો નક્કી કરાય તેવી સંભાવના
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ તમામની નજર રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર મંડરાયેલી હતી. પણ હવે સસ્પેન્સનો અંત આવ્યો છે. સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બીજી તરફ આજે બેંગલુરુમાં આજે સાંજે 7 વાગે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુમાં 20 મેના રોજ યોજાશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કેન્દ્રીય નિરીક્ષકોને સીએલપી બેઠક માટે બેંગલુરુ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા બુધવારે કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે 72 કલાકમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
અગાઉ કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર સુરજેવાલાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને શિવકુમારે તેમના ભાઈ અને પાર્ટીના સાંસદ ડીકે સુરેશના ઘરે પાર્ટીના નેતાઓ અને સમર્થકો સાથે ચર્ચા પણ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલા અને પાર્ટીના નેતા એમબી પાટીલ બુધવારે સાંજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા.
વેણુગોપાલના ઘરે પહોંચતા જ શિવકુમારે કહ્યું હતું કે કહેવા માટે કંઈ નથી… અમે હાઈકમાન્ડ પર છોડી દીધું છે… હાઈકમાન્ડ ફોન કરશે. હું આરામ કરવા જાઉં છું. જ્યારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે શિવકુમારે અગાઉ કહ્યું હતું કે, “કંઈ નથી, કોઈ ચર્ચા નથી. બસ શુભેચ્છાઓ…”
સીએમના નામને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હીમાં પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીને “લોકોના નેતા” તરીકે વર્ણવતા કોંગ્રેસે ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધી કર્ણાટકમાં ભવ્ય જીત બાદ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને મળ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવકુમારને છ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સાથે ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી હતી. બીજો પ્રસ્તાવ સત્તાની વહેંચણીનો હતો. આ અંતર્ગત પહેલા બે વર્ષ માટે સિદ્ધારમૈયા અને આગામી ત્રણ વર્ષ માટે શિવકુમારને સીએમ બનાવવાનો પ્રસ્તાવ હતો. શિવકુમારે કહ્યું હતું કે પહેલા તેમને તક આપવી જોઈએ. જો કે, તેઓ કઈ શરતો પર ડેપ્યુટી સીએમ બનવા માટે રાજી થયા છે, તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.