રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિજેતા ટીમોને મેડલ એનાયત કરાયા
રાજકોટ ખાતે હોકીની નેશનલ ગેમ્સનો ફાઈનલ મેચ અને મેડલ સેરેમની સાથે શાનદાર સમાપન થયું છે. મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને ચિત્ત કરી 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે જયારે પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જયારે ત્રીજા અને ચોથા નંબર માટે ઝારખંડ અને મધ્યપ્રદેશ મહિલા હોકી ટીમ વચ્ચે તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણા પુરુષ હોકી ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં મહિલા હોકીમાં પંજાબને રજત, મધ્યપ્રદેશને કાંસ્ય તેમજ ઝારખંડ ચોથા ક્રમે તેમજ પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશને રજત, મહારાષ્ટ્રને કાંસ્ય તેમજ હરિયાણા ચોથા ક્રમે વિજેતા જાહેર થયું હતું. જાહેર થયેલા પરિણામો મુજબ મહિલા હોકીમાં ફાઇનલમાં હરિયાણા 01-00 થી પંજાબ સામે, ત્રીજા-ચોથા ક્રમ માટે મધ્યપ્રદેશ 05-02 ગોલથી ઝારખંડ સામે વિજેતા બની હતી. જયારે પુરુષ હોકીમાં ફાઇનલમાં કર્ણાટક 02-02 નો બરોબરી બાદ શૂટઆઉટ અને સડન ડેથ બાદ 05-04 થી ઉત્તર પ્રદેશ સામે જયારે ત્રીજા ચોથા ક્રમ માટે મહારાષ્ટ્ર પેનલ્ટી શૂટઆઉટમાં 03-01 ગોલથી હરિયાણા સામે વિજેતા બની હતી.
મેચના અંતે યોજાયેલી મેડલ સેરેમનીમાં મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, કલેકટર અરુણ મહેશ બાબુ, ડી.ડી.ઓ દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, એ.કે.સિંહ, સી.કે. નંદાણી, ડી.એસ.ઓ. અવની હરણ, રમત ગમત અધિકારી જાડેજા તેમજ પદાધિકારી ઓ અને મેચ ઓફિસિયલ્સ જોડાયા હતાં.ફાઈનલ મેચ સહિતની મેચને મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓએ ચીઅરઅપ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટ ખાતે ખરા અર્થમાં યુનિટી સાથે તમામ મેચનું સુનિયોજિત આયોજન કરવામાં આવતા રાજકોટ વાસીઓમાં ખેલ પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે.