31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીને કારણે ભારત સરકારને 3.35 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે તેમ લોકસભામાં આજે જણાવવામાં આવ્યું છે. ભારત સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં 88 ટકાનો વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટી 19.98 રૂપિયાથી વધારી 32.90 રૂપિયા થઇ ગઇ છે. તેવી જ રીતે ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી 15.83 રૂપિયાથી વધારીને 31.80 રૂપિયા કરી દેવામાં આવી છે. આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્રના જવાબમાં આપ્યો હતો.
એક્સાઇઝ ડયુટીમાં કરાયેલા આ વધારાને કારણે નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીની આવક વધીને 3.35 લાખ કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2019-20માં આ આવક 1.78 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે એક જ વર્ષમાં કેન્દ્ર સરકારની આવકમાં 88 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018-19માં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટીની આવક 2.13 લાખ કરોડ રૂપિયા હતી.
નાણાકીય વર્ષ 2020-21માં કોરોનાને કારણે લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો હોવાથી પેટ્રોલ અને ડીઝલનું ઓછું વેચાણ થયું હતું. આમ છતાં એક્સાઇઝ ડયુટીની આવકમાં 88 ટકાનો વધારો થયો છે. એક અન્ય પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2021-22ના પ્રથમ કવાર્ટર એપ્રિલથી જૂનમાં પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલ પરની એક્સાઇઝ ડયુટીની આવક 1.01 લાખ કરોડ થઇ છે.
ઉલ્લેખનીય છે કે 26 જૂન, 2010થી પેટ્રોલ અને 19 ઓક્ટોબર, 2014થી ડીઝલના ભાવ અંકુશમુક્ત કરી દેવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલના ભાવમાં 39 અને ડીઝલના ભાવમાં 36 વખત વધારો કરવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલનો ભાવ 76 વખત અને ડીઝલનો ભાવ 73 વખત વધારવામાં આવ્યો હતો.