કાશ્મીરમાં ૪૪ સૈનિકોનાં મોત નીપજાવનાર પાકિસ્તાની આતંકીઓના દુષ્કૃત્યનો બદલો લેવાની ગતિવિધિઓ વચ્ચે એકબાજુ ભારત-પાક. સરહદે કારગીલ- યુઘ્ધ વખતનો માહોલ સર્જાયો હોવાના પડઘા જમ્મુ-કાશ્મીરમાં સર્વત્ર ઊઠયા છે, ને બીજી બાજુ શહીદો પ્રત્યે હ્રદયભીની સહાનુભૂતિ રૂપે સવા અબજનીવસ્તી ધરાવતા આખા દેશમાં ઉશ્કેરાટ, ઉત્તેજના અને રોષ- આક્રોશનો જબરો ધુંધવાટ ભભૂકયો છે.
ગુજરાત સહિત લગભગ તમામ રાજયોમાં રકતપાતની ગોઝારી ઘટનાના વિરોધમાં પ્રજાએ બંધ પાળ્યો હતો. અને કાઢયા હતા એ આગામી સમયની ઘટનાઓ સંબંધમાં સૂચક બની છેે.ભારતીય ઇતિહાસમાં અવિસ્મરણીય બનેલા કારગીલ યુઘ્ધ બાદ આવો પ્રજાકીય આક્રોશનો રાતો પીળો ઉકળાટ આ પહેલીવાર જોવા મળ્યો છે.
એ વખતના બાહોશ અને પરિપકવ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના લશ્કરી વડા જન. મુશર્રફની લશ્કરી કપટ ખોરી સામે વિના વિલંબે ભારતની જાંબાઝ લશ્કરી ટુકડીઓને મોકલીને કારગીલને પાકિસ્તાનની લશ્કરના ગેરકાયદે કબ્જામાંથી મુકત કરવાની વ્યુહરચના અપનાવી હતી. અને તેને સફળતાપૂર્વક પાર પાડી હતી. રાજદ્વાહી કૂટનીતીમાં પણ તેમણે ભારતનો હાથ ઉપર રખાવ્યો હતો. એ વખતના અમેરિકી પ્રમુખ બિલ કિલન્ટને એ યુઘ્ધના રાજદ્વારી આટાપાટાઓમાં ભારતના અભિગમને સમર્થન આપવું પડયું હતું !
ભારતના ૪૪ સૈનિકોની અપિ વસમી શહાદતનો બદલો લેવાની વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણા અને લશ્કરની જાહેરાત કરાગીલની ઘટનાનું પુનરાવર્તન થવાની સંભાવના દર્શાવે છે. અને જો એ સાચી ઠરે તો કદાચ તે કારગીલ-યુઘ્ધની વિષમતા અને વિટંબણાઓનું વસમું વાતાવરણ સર્જી શકે !
ભારત સરકારની તૈયારીઓમાં કશી જ કમિ રહેવાનું કારણ નથી, તો પણ યુઘ્ધ અને શાંતિ વચ્ચે પસંદગી કરતી શાંત લાગણીમાં નિર્ણય લેવો પડે છે. એમાં ઉશ્કેરાટ અને ઉતાવળ જોખમી બની શકે એમ એક વખતના કુનેહબાજ બ્રિટીશ વડાપ્રધાન વિન્સન ચર્ચિલે દર્શાવ્યું છે. બીજા વિશ્વયુઘ્ધ વખતે તેમની લશ્કરી કુનેહે જ સાથી રાષ્ટ્રોને યાદગાર જીત અપાવી હતી. બ્રિટીશ પાર્લામેન્ટમાં તેમણે દર્શાવ્યું હતું કે, “બેસ્ટ પીસ લાઇઝ ઇન ધ બેસ્ટ સ્ટ્રેન્થ”
આપણી સરકાર માટે પણ આ બધું ઘ્યાનમાં રાખીને જીવાનું આવશ્યક બનશે. તેમ છતાં, કાશ્મીરનું વર્તમાન રાજકારણ સારીપેઠે અટપટું છે. કાશ્મીરનું ભૌગોલિક સ્થાન લશ્કરી દ્રષ્ટિએ ‘સ્ટ્રેટેજીક’ છે. કાશ્મીરમાં પોતાનું લશ્કરી થાણુ નાખવાની ભેદી રાજદ્વાહી ચેષ્ટા અમેરિકા અને ચીન જેવા રાષ્ટ્રો કરી ચૂકયા છે.
કાશ્મીરના ભૂમિ ગત સ્ટેટસને લગતો ‘યુનો’નો ઠરાવ પણ મહારાષ્ટ્રો કે મહાસત્તાઓની કુટનીતીની ગરજ સારે છે. જેમણે કાશ્મીરને ભારતના અવિભાજય અંગ તરીકે સ્વીકાર્યુ નથી. આ પ્રદેશ અંગે ભારત-પાકિસ્તાન ‘પ્લેબીસાઇટ’, એટલે કે લોકમત લે, એવી વાત ભારત-પાકિસ્તાનની સામે તેમના ભાગલાના ભાગ તરીકે લટકતી રહી છે.
પાકિસ્તાન રચાયું કે તરત જ પાકિસ્તાનીઓએ કાશ્મીર ઉપર આક્રમણ કરીને તેનો સારો એવો ભાગ હસ્તગત કરી લીધો હતો તે વખતે કાશ્મીરના રાજવી શ્રી હરિસિંહે ભારતની મદદ માગી હતી. ભારતે એવી શરત મૂકી હતી કે જો કાશ્મીરને ભારત સાથે જોડવાનું તેઓ સ્વીકારે તો જ ભારત એની પડખે રહે!
શ્રી હરિસિંહે આ શરતને માન્ય રાખી હતી, પણ એવી વળતી શરત મૂકી હતી કે, કાશ્મીરને ભારત સાથે જોડયા પછી લોકમત લેવો અને પ્રજાની સંમતિ મેળવવી, ભારત એમાં સંમત બન્યું હતું તે પછી ભારત સરકારના ગૃહપ્રધાન તરીકે પાકિસ્તાને પડાવેલો કાશ્મીરનો મુલક પાછો મેળવી લીધો હતો. જેમાંથી થોડો પાકિસ્તાનના કબ્જામાં રહ્યો હતો અને તે હજુ તકરારી જ રહ્યો છે.
હરિસિંહ અને યુનોએ ‘લોકમત’ માટે બન્ને દેશોના લશ્કર પાછા ખેંચવાની જે શરત મૂકી હતી તેનો ભંગ કર્યો હતો પોતાના લશ્કરને નિશ્ચિત મુદતમાં પાછું નહિ ખેંચતાં લોકમતની શરત લટકતી રહી હતી. યુનોનો આ અંગેનો ઠરાવ હજુ જેમનો તેમ ઊભો છે. બન્ને પાસે જે પ્રદેશો છે તે સ્થિતિ જેમની તેમ રહી છે.કાશ્મીર ભડકે બળે એવી સ્થિતિમાં રકતપાતની ઘટના બની છે ભારતને બદલાની ધમકી આપી છે. અત્યારે ‘કારગીલ યુઘ્ધ’ના ઓછાપા વચ્ચે આખો દેશ ધમધમી રહ્યો છે એ સૂચક છે !