જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને, પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો કે આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ, ત્યારે એનાથી ઊલટું થવું જોઈએ. આપણને ખુશી થવી જોઈએ, એ બાબતની કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી, એના કરતાં વધુ સારી સ્થિતિમાં આ દુનિયાને છોડીને જઈ રહ્યા છીએ. દુનિયાને રડવા દેવી જોઈએ, કારણ એમણે એક એવી વ્યક્તિને ખોઈ છે, જેણે આ દુનિયાને વધુ સારી બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે અને હવે એના ચાલ્યા જવાથી દુનિયા થોડી ગરીબ થઈ ગઈ છે. આપણું કામ દુનિયા પાસેથી માત્ર લીધા કરવાનું નહીં, બદલામાં કાંઈક આપવાનું પણ છે.
જગતમાં જ્યારે તું આવ્યો હતો, જગ હસતું રહ્યું અને તું રડતો રહ્યો.
હવે જીવી જા તું જિંદગી એવી, તું જા ત્યારે જગત રડે અને તું હસતો રહે.
હિંદુ ફિલસૂફીને આધારે એવું કહેવાય કે સારા માણસો ક્યારેય મૃત્યુ પામતા નથી, તેઓ સ્વર્ગે સિધાવે છે. એમનું નામ એમના સારાં કર્મોને કારણે સદા અમર રહે છે. બીજી બાજુ મૃત્યુ તો માત્ર ધૂર્ત લોકોનું જ થાય છે. એમના ચાલ્યા જવાથી આ ધરતીનો ભાર ઘટે છે.
એટલે જિંદગી એવી જીવવી જોઈએ કે આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે. સારી ભાવનાથી, નહિ કે ઘૃણાથી !
અંદાજે સો વર્ષ પૂર્વેની વાત છે. જ્યારે એક વ્યક્તિએ પોતાનું નામ ‘બેસણાં’ના વિભાગમાં વાંચ્યું, ત્યારે એ ખૂબ જ હેરાન થઈ ગયો. સમાચારપત્રવાળાઓએ હકીકતમાં ભૂલથી એમનું નામ છાપી દીધું હતું. આ વાંચીને એ માણસ થોડીવાર માટે તો ખરેખર ચોંકી ઊઠ્યો. જ્યારે એણે પોતાની જાતને સંભાળી લીધી, ત્યારે એને વિચાર આવ્યો કે એના વિશે સમાચારપત્રમાં શું છાપ્યું છે, એ એણે જાણવું જોઈએ. સમાચારપત્રમાં એવા વિશે લખ્યું હતું, ‘ડાયનેમાઇટનો રાજા મૃત્યુ પામ્યો.’ અને ‘એ મૃત્યુનો સોદાગર હતો.’ આ વ્યક્તિ ડાયનેમાઇટનો શોધક હતો અને તેણે ‘મૃત્યુનો સોદાગર’ જેવા શબ્દો વાંચ્યા, ત્યાં તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોક મને આ રીતે યાદ કરશે?’ એ માણસ ભાવુક થઈ ગયો. એણે એવું નક્કી કરી લીધું કે એ બિલકુલ એવું નથી ઇચ્છતો કે લોકો એને ‘મૃત્યુના સોદાગર’ તરીકે યાદ કરે. એ દિવસથી એણે દુનિયામાં શાંતિ ફેલાવવા માટે કામ શરૂ કર્યું. એ માણસનું નામ હતું, આલ્ફ્રેડ નોબલ. આજે લોકો એમને નોબલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે.
એટલે લોકોનાં હૃદયમાં અમીટ છાપ અંકિત કરવા માટે એક તત્ત્વચિંતક કહે છે, ‘આજ સુધી કોઈપણ વ્યક્તિનું સન્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું ? પણ હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે દુનિયાને શું અને કેટલું દીધું ?’
‘બીજાનું ભલું કરવું.’, ‘બીજા માટે ઘસાવું.’ આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સન્માનીય બને છે, આદરણીય બને છે, સ્મરણીય બને છે.
એટલે જ કહેવત છે કે ‘કર ભલા તો હો ભલા.’
પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે, ‘બીજાના સુખમાં આપણું સુખ.’
હિંમતનગરની બાજુમાં એક નાનકડું હિંગટિયા ગામ છે, તેમાં આદિવાસીઓ રહે છે. સાવ અંતરિયાળ ગામના એક સામાન્ય આદિવાસીએ આજથી સાતેક વર્ષ પહેલાં અમેરિકા પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખ્યો હતો. સ્વામીશ્રીએ પત્ર વાંચ્યો, પણ અક્ષર ઊકલી શકે તેમ હતા નહીં. પોસ્ટલ સ્ટેમ્પ દ્વારા ખબર પડી કે આ હિંમતનગરની બાજુના ગામનો પત્ર છે એટલે સ્વામીશ્રીએ આ વિસ્તારનું વિચરણ સંભાળી રહેલા શ્રીરંગ સ્વામીને ફોન જોડાવ્યો. જોકે તેઓ ગામડે ફરવા નીકળી ગયા હોવાથી સંપર્ક થઈ શક્યો નહીં એટલે સ્વામીશ્રીએ ખાસ કહેવડાવ્યું કે, હિંમતનગર તેઓ પાછા આવ્યા એટલે સ્વામીશ્રીએ કહ્યું કે, ‘આવો પત્ર આવ્યો છે તો કયા હરિભક્તનો છે એ તમે તપાસ કરજો અને ત્યાં જઈને એમને શું પ્રશ્ન છે એ જોઈ આવજો.’ શ્રીરંગ સ્વામીએ તપાસ કરી તો એ ગામના રેશ્મા પારધીનો એ પત્ર હતો. પત્રમાં સાવ નજીવી બાબત લખી હતી કે તેઓને ખેતરનો હેન્ડપમ્પ બગડી ગયો છે. સ્વામીશ્રીએ તરત જ આદેશ આપતાં કહ્યું કે, ‘તમે તપાસ કરજો કે સરકારી રાહત આમાં મળે છે કે કેમ ? જો ન મળતી હોય, તો સંસ્થા દ્વારા એને પમ્પ રિપેર કરી આપજો.’ આટઆટલી વ્યસ્તતા અને આવાં આંતરરાષ્ટ્રીય મહાનગરોમાં વિચરતા સ્વામીશ્રી નાનામાં નાના દુખિયારાઓની સંભાવના કરતા, તે તેઓની આધ્યાત્મિકતાનું પરિણામ હતું.
તો આપણે કેવું જીવન જીવવાનું છે ?
એક છોકરો નદીમાં ડૂબી રહ્યો હતો. એટલે એણે મદદ માટે બૂમાબૂમ કરી. એક માણસ જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, એને દયા આવી. એ નદીમાં કૂદી પડ્યો અને એણે પેલા છોકરાને બચાવી લીધો. જ્યારે એ માણસ જવા લાગ્યો ત્યારે એ છોકરાએ કહ્યું, ‘ધન્યવાદ.’ તે માણસે પૂછ્યું, ‘શા માટે ?’ છોકરાએ જવાબ આપ્યો, ‘મારી જિંદગી બચાવવા માટે.’ એ માણસે છોકરાને કહ્યું, ‘બેટા જ્યારે તું મોટો થાય ત્યારે સાર્થક કરજે કે તારી જિંદગી બચાવવા લાયક હતી.’
બ્રહ્મપુરાણમાં વેદવ્યાસજી કહે છે કે,‘જીવિતં સકલં તસ્ય ય: પરાર્થોદ્યત: સદા’
અર્થાત્ જે પરોપકાર કરતો રહે છે, એનું જીવન જ સફળ મનાય છે. તો આપણે પરોપકારી જીવનશૈલી અપનાવી પોતાની જિંદગીને સાર્થક કરી શકીએ.