રાજ્યના 27 તાલુકાઓમાં 41 ઇંચથી લઇ 108 ઇંચ સુધી વરસાદ: 11 તાલુકાઓ હજી અછતના ઓળામાંથી બહાર નિકળ્યા નથી
વરૂણ દેવે આ વર્ષ ગુજરાત પર થોડું વધુ વ્હાલ દેખાડ્યુ છે. જુલાઇ માસના પ્રથમ પખવાડીયામાં રાજ્યમાં સિઝનનો 60 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે અમુક વિસ્તારો આજે પણ મેઘકૃપાની વાટ જોઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 2709 મીમી એટલે કે 108 ઇંચથી પણ વધુ વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ધનેરામાં માત્ર 3 ઇંચ જ વરસાદ પડ્યો છે. રાજ્યનાં 11 જિલ્લાઓ હજી અછતના ઓરામાંથી બહાર નિકળ્યા નથી એટલે કે આ જિલ્લામાં હજી સુધી પાંચ ઇંચ પણ વરસાદ પડ્યો નથી.
રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો કુલ 59.86 ટકા વરસાદ પડ્યો છે. 11 તાલુકાઓમાં પાંચ ઇંચ સુધી, 57 તાલુકાઓમાં પાંચથી લઇ 10 ઇંચ સુધી, 98 તાલુકાઓમાં 10 થી લઇ 20 ઇંચ સુધી, 58 તાલુકાઓમાં 20 થી લઇ 40 ઇંચ સુધી અને 27 તાલુકાઓમાં 40થી લઇ 102 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 114 ઇંચ સુધી વરસાદ પડતો હોય છે. આજ સુધીમાં 108 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જે સિઝનનો 95.20 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ધરમપુરમાં 93 ઇંચ, વાપીમાં 69 ઇંચ, પારડીમાં 68 ઇંચ, વલસાડમાં 62 ઇંચ, ઉમરગામમાં 57 ઇંચ, ડાંગ જિલ્લાના વઘઇના 69 ઇંચ, ડાંગમાં 68 ઇંચ, સુબીરમાં 64 ઇંચ, નવસારી જિલ્લામાં વાસંદામાં 77 ઇંચ, ખેરગામમાં 73 ઇંચ, ચીખલીમાં 62 ઇંચ, નવસારીમાં 52 ઇંચ, ગણદેવીમાં 49 ઇંચ, જલાલપોરમાં 45 ઇંચ, સુરતના મહુવામાં 45 ઇંચ, પાલસણામાં 45 ઇંચ, ઉંમરપાડામાં 60 ઇંચ, તાપી જિલ્લાના વાલોદમાં 41 ઇંચ, વ્યારામાં 45 ઇંચ, ડોલવાણમાં 45 ઇંચ, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 55 ઇંચ, ભીલકવાડામાં 46 ઇંચ, સાગબારામાં 43 ઇંચ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 44 ઇંચ, પૂર્વ-મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 42 ઇંચ અને પંચમહાલના જાંબુખેડા તાલુકામાં 51 ઇંચ વરસાદ વરસી ગયો છે.
જ્યારે રાજ્યના 11 તાલુકાઓ એવા છે જ્યાં હજી સિઝનનો પાંચ ઇંચ પણ વરસાદ પડ્યો નથી. આ તાલુકાઓ અછતના ઓરામાંથી બહાર નીકળી શક્યા નથી. બનાસકાંઠાના ધનેરામાં માત્ર 3 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કચ્છના રાપરમાં પાંચ ઇંચ, વાવમાં પાંચ ઇંચ, મહેસાણામાં 4॥ ઇંચ, અમદાવાદના દશક્રોઇમાં ચાર ઇંચ, ધનપુરમાં 3॥ ઇંચ, લીમખેડામાં 3॥ ઇંચ, વિંછીયામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 104.09 ટકા વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 35.22 ટકા, ઇસ્ટ-મધ્ય ગુજરાતમાં 50.01 ટકા, સૌરાષ્ટ્રમાં 58.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 75.11 ટકા વરસાદ પડ્યો છે. 184 તાલુકાઓમાં 31 ઇંચ સુધી વરસાદ
સૌથી વધુ વલસાડના કપરાડામાં સવા ત્રણ ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં પોરો ખાતા મેઘરાજા
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 184 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સવા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 81 મીમી પડ્યો છે. સૌરાષ્ટ્રમાં એકદંરે મેઘ વિરામ જેવો માહોલ રહેવા પામ્યો છે. દરમિયાન આગામી 23 અને 24 જૂલાઇના રોજ રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો 59.86 ટકા વરસાદ વરસી ગયો છે. સવારથી 35 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મંગળવારે સૌરાષ્ટ્રમાં એંકદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. એકમાત્ર ભાવનગર જિલ્લાના ઘોઘામાં એકાદ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં છૂટા છવાયા સામાન્ય ઝાપટા વરસ્યા હતા. કપરાડામાં 81 મીમી, માતરમાં 80 મીમી, વસોમાં 75 મીમી,
નડીયાદમાં 74 મીમી, પોસીનામાં 74 મીમી, મહેમદાવાદમાં 62 મીમી, હાલોલમાં 62 મીમી, અમીરગઢમાં 55 મીમી, ખેડામાં 54 મીમી, વિજયનગરમાં 50 મીમી, કડાણામાં 49 મીમી, મેઘરજમાં 48 મીમી, સાવલીમાં 47 મીમી, ગોધરામાં 46 મીમી, ખેડબ્રહ્મામાં 45 મીમી, હીલોડામાં 42 મીમી, કલોલમાં 42 મીમી વરસાદ વરસ્યો હતો. સવારથી 35 તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
13 જળાશયોમાં 1 ફૂટ સુધી પાણીની આવક
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી એકંદરે મેઘ વિરામ જેવો માહોલ જોવા મળીરહ્યો છે.જેના કારણે જળાશયોમાં પાણીની આવકમાં પણ ઘટાડો થયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 13 જળાશયોમાં નવાનીરની આવક થવા પામી હતી. રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમમાં 0.49 ફુટ, વાઘપરીમાં 0.69 ફૂટ, છાપરવાડી-2માં 0.33 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.26 ફૂટ, જામનગર જિલ્લાના ફુલઝર-2 ડેમમાં 0.98 ફૂટ, વગડીયામાં 0.20 ફૂટ, દેવભૂમી દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.23 ફૂટ, વર્તુ-1 ડેમમાં 0.49 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.19 ફૂટ, વેરાડી-1માં 0.16 ફૂટ, વેરાડી-2માં 0.16 ફૂટ, મીણસાર (વાનાવડ)માં 0.98 ફૂટ, જયારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-1માં 0.59 ફૂટ પાણીની આવક થવા પામી છે.