ખુશ છું કે હું રાજ્યસભાનો અપક્ષ ઉમેદવાર બનવા જઈ રહ્યો છું, હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો: સિબ્બલ
પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને સપાના સમર્થનથી અપક્ષ તરીકે રાજ્યસભામાં જશે. સપા કપિલ સિબ્બલને સમર્થન આપી રહી છે. કપિલ સિબ્બલે પત્રકારોને જણાવ્યું કે, મેં 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
કપિલ સિબ્બલે કહ્યું કે, અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી મોદી સરકારનો વિરોધ કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે 2024માં ભારતમાં એવું વાતાવરણ સર્જાય કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવવામાં આવે. સિબ્બલે કહ્યું કે, હું ખુશ છું કે હું રાજ્યસભાનો અપક્ષ ઉમેદવાર બનવા જઈ રહ્યો છું. હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો. મને ખુશી છે કે અખિલેશ યાદવ આને સમજ્યા. જ્યારે આપણે પક્ષના સભ્યો હોઈએ છીએ, ત્યારે આપણે તેની શિસ્તથી બંધાયેલા હોઈએ છીએ.
કપિલ સિબ્બલના નોમિનેશન બાદ અખિલેશ યાદવે કહ્યું કે, આજે કપિલ સિબ્બલે પોતાનું નોમિનેશન ભર્યું છે. તેઓ સપાના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. વધુ બે સભ્ય રાજ્યસભામાં જઈ શકે છે. કપિલ સિબ્બલ વરિષ્ઠ વકીલ છે. તેઓ સંસદમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ પોતાના અને સપાના વિચારો રાખશે.
કપિલ સિબ્બલ, કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક, 23 અસંતુષ્ટ નેતાઓના “જી-23” જૂથનો ભાગ હતા જેમણે પક્ષના નેતૃત્વ અને સંગઠનને સંપૂર્ણ રીતે બદલવાની હાકલ કરી હતી. તેઓ તાજેતરના સપ્તાહોમાં ગાંધી પરિવારના નેતૃત્વની તેમની ટીકા વિશે પણ અવાજ ઉઠાવતા હતા. તેમના રાજીનામા અંગે સપાના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે કપિલ સિબ્બલ મોટા નેતા રહ્યા છે. તેથી તે એક સીટ પરથી રાજ્યસભામાં જશે. બીજી તરફ, કપિલ સિબ્બલ સિવાય પાર્ટીએ જાવેદ અલી ખાન અને ડિમ્પલ યાદવને અન્ય બે સીટો પર રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
યુપીની 11 સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે
કપિલ સિબ્બલે તાજેતરમાં લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આઝમ ખાનને બે વર્ષની જેલ બાદ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. તે જ સમયે, આવતા મહિને રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ કરવામાં આવશે.