જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને મનો દિવ્યાંગ બહેનોના ગૃહની મુલાકાત લઇ બાળાઓ સાથે સાધ્યો સંવેદનાપૂર્વકનો સંવાદ
આંતરરાષ્ટ્રીય બાલિકા દિન તથા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કલેકટર અરૂણ મહેશ બાબુએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને મનો દિવ્યાંગ બહેનોના ગૃહની મુલાકાત લીધી હતી. કલેકટરે આ ગૃહની બાળાઓનું પૂજન કરી ભેટ આપી હતી.
કલેકટરે બંને ગૃહની મુલાકાત લઇ બાળાઓની પ્રવૃતિ અને ગુહની વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ હતું. કલેકટરે દીકરીઓ સાથે સંવેદનાપૂર્વકનો સંવાદ સાધ્યો હતો. ગૃહની બાળાઓએ વિવિધ ગીતો ગાઇ કલેકટરને પ્રભાવિત કર્યા હતા.
કલેકટરે તમામ બાળાઓના નામ પૂછયા હતા, બાળાઓ શું બનવા માગે છે તે જાણ્યુ હતું. બાળકોની ગાવા, ડાન્સ, ગેમ્સ સહિતની આવડત વિશે માહિતી મેળવી હતી. બાળકો વધુને વધુ અભ્યાસ કરે તે માટેનું પ્રોત્સાહન આપવાની સુચના ગૃહના કર્મચારીઓને કલેકટરે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 35 બાળાઓ અને મનો દિવ્યાંગ બહેનોના ગૃહમાં 21 બાળાઓ રહે છે. જેમના રહેવા, જમવા, અભ્યાસ સહિતની તમામ સુવિધા રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગિરિ ગૌસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસ, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણ મોરી, બંને ગૃહોના કર્મચારીઓ તથા બાળાઓ ઉપસ્થિત રહયા હતા.