છેલ્લા અમુક વર્ષો દરમ્યાન અર્બન ગુજરાતી ફીલ્મોના નિર્માણમાં અનેરી ક્રાંતિ આવી છે. સારા અને અનોખા વિષયો પર અર્થપૂર્ણ મનોરંજક ફિલ્મો બની રહી છે. ગુજરાતી યુવા ડાયરેક્ટર્સ અને યુવા કલાકારો ગુજરાતી સિલ્વર સ્ક્રીનને પોતાના એકસ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટના સહારે નવા આયામ બક્ષી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઇએ લઇ જઇ રહ્યા છે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે અનોખા પ્રયોગોની નવી કેડી પર એક નવી પ્રેરણાત્મક અને મનોરંજક કથા અર્બન ગુજરાતી ફિલ્મના રૂપમાં આકાર લેવા જઈ રહી છે, જેનુ નામ છે…..કનુભાઇ-ધ ગ્રેટ…!!!
મોટીવેશનલ, લવસ્ટોરી, કોમેડી, રહસ્ય અને કોર્ટ રૂમ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘કનુભાઇ ધ ગ્રેટ’
ફિલ્મના કલાકારો વનરાજસિંહ સિસોદીયા, સુનીલ વિશ્રાણી સહિતના મહાનુભાવોએ લીધી ‘અબતક’ની મુલાકાત
કનુભાઇ-ધ ગ્રેટ આધારિત છે, દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડીસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ ઍવોર્ડથી સન્માનીત થયેલા સેવા-નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેઈલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર. અહીં એ વાતની નોંધ લેવી જરૂરી છે કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે બાયોપિક નથી. કનુભાઈ ટેલરની જીવનગાથાની સાથે સાથે અમુક બીજા પાત્રો સાથે જોડાયેલી કાલ્પનિક મનોરંજક વાર્તા અને એક અનોખી લવસ્ટોરી પણ આમાં વણાયેલી છે. જેમાં કોમેડી, રહસ્ય અને કોર્ટ રૂમ ડ્રામા પણ સામેલ છે.
બોલીવૂડમાં અનેક ટીવી શો, ફિલ્મો, અને ગીતો લખી ચુકેલા અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં. હું – અત્ર તત્ર સર્વત્ર, વેલકમ જિંદગી, ફુલેકુ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુકેલા અને લેખક તરીકે પણ ધણી ગુજરાતી ફિલ્મો લખી ચુકેલા રાઇટર-ડિરેક્ટર અને ગીતકાર એવા મુંબઈના ઇર્શાદ દલાલે આ ફિલ્મની કથા, પટકથા, સંવાદ, ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યુ છે.
ફિલ્મમાં કુલ 4 ગીતો છે અને બધા ગીતો ખૂબ જ મધુર અને કર્ણપ્રિય છે. આ બધા ગીતોને જાણીતા સિંગર્સ મીત જૈન, પાર્થ ઓઝા, રમ્યા ઐયર, મિતાલી મહંત, ચેતન ફેફર અને પૂજા દવેએ પોતાનો સુરીલો કંઠ આપ્યો છે, જ્યારે આ ગીતોના મ્યુઝિક ડાયરેકટર છે, બોલીવૂડના ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર ટીનુ અરોરા અને સુરતના પ્રતિભાશાળી સંગીતકાર જય મહંત. આ ફિલ્મોના બધા જ ગીતો જાણીતી મ્યુઝિક કંપની પેનોરામા મ્યુઝિક ગુજરાતી પર રીલીઝ થઇ ચુક્યા છે.
જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોનાં જીવનમાં એક નવો જ જોશ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રૂદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયુ છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે. ફિલ્મના મુખ્ય નિર્માતા ડો.મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેકટનાં નિર્માણમાં કોઇ પણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશીશ કરી છે.
આ ફિલ્મનું સૌથી સબળ પાસુ એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો અને નાટક ક્ષેત્રે પોતાની પ્રતિભાના ડંકા વગાડી ચુકેલા અદભુત કલાકારોએ આ ફિલ્મને પોતાના બેનમૂન અભિનય દ્વારા એક નવી ઉંચાઇ બક્ષી છે. જેમાં યુવાન કનુભાઇના રોલમાં ઓજસ રાવલ અને મેચ્યોર્ડ કનુભાઇના રોલમાં સુનિલ વિશ્રાણી પોતાની ઇમેજથી વિપરીત રોલ નિભાવ્યા છે. તો ફિલ્મની અંદર રહેલી કાલ્પનિક કથાના પાત્રમાં અત્યંત પ્રતિભાશાળી અભિનેતા વનરાજ સિસોદિયાએ જબરદસ્ત અભિનય કર્યો છે. ફિલ્મની મુખ્ય હીરોઇન વૈભવી જોશી છે અને અન્ય કલાકારોમાં આયુશી ધોળકિયા, રાજીવ પંચાલ, ભૈરવી આઠવલે, પલાશ આઠવલે, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેશ જોશી, સત્યેન વર્મા, આરતી રાજપુત, મૌલિક પાઠક, દર્શ ભાનુશાળી, સત્યા પટેલ વગેરે છે.
કનુભાઇ ધ ગ્રેટ ફિલ્મ વિશે માહિતી આપવા કલાકાર વનરાજસિંહ સિસોદીયા, સુનીલ વિશ્રાણી, રાઇટર ડિરેકટર લિરીકસ રાઇટર ઇર્શાદ દલાલ, ફિલ્મના નિર્માતા ડો. મહેન્દ્રસિંહ પરમાર, સામાજીક અગ્રણી પી.ટી. જાડેજા, કાર્યકારી નિર્માતા રૂદ્રસિંહ પરમાર, અનિરુઘ્ધસિંહ રાઠોડ, સામાજીક અગ્રણી કિશોરસિંહ જેઠવા, રાજુભાઇએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આજ સુધી કરેલી ફિલ્મોમાં મારા માટે ‘કનુભાઇ ધ ગ્રેટ’ ફિલ્મ સર્વશ્રેષ્ઠ: વનરાજસિંહ સિસોદીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં કનુભાઇ ધ ગ્રેટ ફિલ્મના કલાકાર વનરાજસિંહ સિસોદીયાએ જણાવ્યું હતું કે હું 14 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છું. મેં 12થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં મારી સર્વશ્રેષ્ઠ ફિલ્મ હોય તો તે કનુભાઇ ધ ગ્રેટ ફિલ્મ છે. જ્યારે ઇર્શાદભાઇએ મને ફિલ્મની વાર્તા કહી તે મને ખૂબ જ પસંદ પડી. આ ફિલ્મમાં ઇર્શાદભાઇ દલાલે નવેનવ રસને વર્ણવેલ.આ ફિલ્મમાં મેસેજ, મનોરંજન, રોમાંસ, સસ્પેન્સ, કોડ ડ્રામા વધુ જ છે. જે તમામ લોકોને જોવી જ જોઇએ. ખાસ નાના બાળકોને ફિલ્મ બતાવવી જોઇએ. ફિલ્મમાં ટેલીફોન રીંગ વાગી રે તારી લાગની લાગી રે સહિતના ફિલ્મ સૌ કોઇને પસંદ પડી રહ્યાં છે. ગઇકાલે ફિલ્મ રીલીઝ થઇ ગઇ છે. દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કનુબાપાનું પાત્ર ભજવવા એક ચેલેન્જ હતી: જે મે બખુબી નિભાવ્યું: સુનિલ વિશ્રાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં કનુભાઇનું પાત્ર ભજવનાર જાણીતા કલાકાર સુનિલ વિશ્રાણીએ જણાવ્યું હતું કે મેં ઘણા ફિલ્મોમાં કોમેડી પાત્ર ભજવ્યું છે. આ કનુભાઇ ધ ગ્રેટ ગુજરાતી ફિલ્મમાં મેં પદ્મશ્રી ડો. કનુભાઇ ટેલર જેઓ ડીસેબલ છે તેઓનું પાત્ર ભજવ્યું છે. તે પાત્ર ભજવવું એક ચેેલેન્જ હતું પરંતુ મેં તેમના પાત્રને ભજવવા માટે તેમના ઇન્સ્ટીટયુટ ની મુલાકાત લેતા પહેલા તેમના વિડીયો યુ ટયુબમાં જોયા હતાં. અને ત્યારબાદ શુટીંગ પહેલા નવ દિવસ તેમની ઇન્સ્ટીટયુટમાં રહ્યા જયાં કનુબાપાનો બાળકો સાથે પ્રેમ તેમની સીગનેચર, તેમની પ્રવૃતિઓ બધુ જ ઓબઝર્વ કર્યુ. અને બે દિવસ માટે વિલચેરની પ્રેકટીસ કરી હતી. જયારે ફીલ્મનું શુટીંગ શરુ થયું ત્યાં મને ખબર પડી કે દિવ્યાંગોની તકલીફ પડી શું હોય છે. દિવ્યાંગોની કેવી પરિસ્થિતિ હશે તેનો અનુભવ થયો. અને કરૂણાત્મક જાગ્યો કે દિવ્યાંગોની બનતી મદદ કરવી જોઇએ. મને આ પાત્ર ભજવવાનો મોકલ મળ્યો છે. તે મારા માટે યાદગાર બની રહ્યું છે. આ ફિલ્મ મનોરંજનની સાથે સંદેશાત્મક મોટીવેશનલ છે. બાળકો નાના મોટા સહપરિવાર ફિલ્મને જોવા જઇ શકશે. ફિલ્મ નિહાળીને સૌને મજા આવશે.