વિશ્વવિખ્યાત સંગીતકાર – પિયાનોવાદકની ગાંધીજીને અનોખી સ્વરાંજલી
ગાંધી નિર્વાણ દિને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન; પિનાકી મેઘાણી સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિરાજકોટ
રાજકોટ નિવાસી ૯૦ વર્ષીય વિશ્વવિખ્યાત સંગીતકાર – પિયાનોવાદક કાંતિભાઈ સોનછત્રાએ મહાત્મા ગાંધીને અનોખી સ્વરંજલિ અર્પણ કરી છે. ગાંધીજીને પ્રિય એવું ભક્તકવિ નરસિંહ મહેતા કૃત ‘વૈષ્ણવ જન’ની કીબોર્ડ પર ભારતીય શાસ્ત્રીય રાગ બિલાવલ આધારિત સુમધુર સૂરાવલિ કાંતિભાઈએ બખુબી રજૂ કરીને ઈન્ટરનેટ પર મૂકી છે. ત્રણ દાયકા પૂર્વે કલાગુરુ કાંતિભાઈ સોનછત્રા પાસેથી કીબોર્ડ, ગાયન અને ચિત્રકલાનું પ્રેરક માર્ગદર્શન પામેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાંતિભાઈ સોનછત્રાનાં વિડીયોને વિશ્વભરમાંથી લાખો સંગીત-પ્રેમીઓ ઈન્ટરનેટ પર માણે છે જે ખાસ ઉલ્લેખનીય છે :www.facebook.com/ShriKantibhaiSonchhatra.
ગાંધી નિર્વાણ દિન અવસરે કાંતિભાઈ સોનછત્રાનું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવભર્યું અભિવાદન કરાયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ભારત સરકારના ખાદી ગ્રામોદ્યાગ કમિશનના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, ૧૯૭૧માં પ્રથમ શિષ્ય, જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, લોકગાયકો નીલેશ પંડ્યા, રાધાબેન વ્યાસ અને માલાબેન ભટ્ટ, રાષ્ટ્રીયશાળાના જીતુભાઈ ભટ્ટ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર જિલ્લાનાં કાલાવાડ પાસે આવેલ વડાળા ગામમાં, ૧૯૨૯માં, રઘુવંશી પરિવારમાં જન્મેલાં કાંતિભાઈએ માત્ર ૬ વર્ષની નાની વયે કલકત્તા ખાતે સંગીત-સાધનાનો આરંભ કર્યો હતો. મેવાતી ઘરાણાના પંડિત મણીરામજી પાસેથી રાગ-રાગિણીઓ અને ખ્યાલ અંગની વ્યકિતગત પ્રેરણા-માર્ગદર્શન તથા પોરબંદરના વૈષ્ણ્વાચાર્ય ગો. શ્રી દ્વાર્કેશલાલજી મહારાજ પાસેથી હોર્મોનિયમ-વાદનમાં ઠુમરી અંગની નજાકત વિશે પ્રેરણા મળી હતી. ૧૨ વર્ષની વયે ચિત્રકલા (લેન્ડસ્કેપ, પોટ્રેટ)માં પણ નિપુણતા હાંસલ કરી હતી.
શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારો પંડિત મણીરામજી (ગાયન), પંડિત રવિશંકર (સિતાર), ઉસ્તાદ અલ્લારખાં (તબલા) તેમજ ફિલ્મી સંગીતકાર નૌશાદ, મદન મોહન, વસંત દેસાઈ, જયદેવ, પંડિત શિવરામ, ક્લ્યાણજી શાહ એમને સાંભળવા તત્પર રહેતા. અનેક સંગીત-અભ્યાસુઓને વ્યક્તિગત માર્ગદર્શન આપીને, કાંતિભાઈ સોનછત્રા તેઓની સંગીત-સાધનામાં પથદર્શક બન્યા છે.
દેશ-વિદેશમાં વસતાં એમનાં અનેક શિષ્યોએ એમની પરંપરાને જાળવી છે. પંકજ ભટ્ટ, અતુલ રાણીંગા, રાજ રાણીંગા, પલ્લવ પંડ્યા, હસમુખ પાટડીયા, ડો. પરિન પરમાર, જયમીન સંઘવી, દેવ પરમાર, અજય શાહ, પ્રિયા શાહ, કિરણ ઠકરાર જેવાં ખ્યાતનામ સંગીતકારો એમના શિષ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પરિવાર (પુત્ર સ્વ. નાનકભાઈ મેઘાણી અને ભાણેજ સ્વ. ગુલાબભાઈ પારેખ) સાથે એમનો પારિવારિક નાતો રહ્યો છે. અત્યંત વિનમ્ર અને મૃદુભાષી કાંતિભાઈ સોનછત્રા, ૧૯૮૮માં, ગુજરાત સરકારના ‘ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયાં છે.