મહિલાએ 23 વીઘા જમીનમાં ખેતી કરી ‘જરા હટકે’…
ખેતરમાં પાણી ભરાવાની‘સમસ્યા’ને બનાવ્યું ‘હથિયાર’
માછલીપાલન, ફળોની ખેતી સાથે ખેતર બન્યું આકર્ષણનું કેન્દ્ર: ખેતરમાં બનાવ્યું સરોવર અને વચ્ચે ટાપુ
ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાને જ કનૌજની ધો.10 પાસ મહિલાએ હથિયાર બનાવી ખેતરને ‘સરોવર’માં બદલી વચ્ચે ‘ટાપુ’ ઉભો કરી અનોખી ખેતી શરૂ કરી છે. સરોવરમાં માછલી પાલનને ફળોની ખેતી થકી વર્ષે 25 લાખની આવક કરે છે. વધુમાં ખેતરમાં સરોવર અને ‘ટાપુ’ જોવા લોકોમાં પણ આકર્ષણ ઉભુ થયું છે. અલ્પ શિક્ષીત મહિલાની પોતાની આગવી ‘સુઝ’ની ખેતીની ‘ગુગલે’ પણ નોંધ લીધી છે અને મહિલાનું પ્રમાણપત્ર આપી સન્માન પણ કર્યું છે.મહિલાની અનોખી ખેતીની વાત જાણવા જેવી અને ખેતી કરનારાઓને પ્રેરણા લેવા જેવી પણ છે તો આવો જાણીએ કનૌજની મહિલાની અનોખી ખેતીની વાત. ઉત્તર પ્રદેશના કનૌજના ભર્વા વિસ્તારમાં બથઉંઈવા ગામમાં રહેતી મહિલા કિરણકુમારી રાજપુત પાસે ઉમર્દા વિસ્તારનાં ગુન્હા ગામમાં 23 વીઘા જમીન છે. આ જમીનનાં મોટાભાગનાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. એટલે ખેતી કરવામાં બહું મુશ્કેલી હતી તેણે વિચાર્યું કે આ સમસ્યાને જ ‘હથિયાર’ બનાવી ખેતરમાં જ તળાવ બનાવવા નિર્ણય કર્યો.બાદમાં કિરણકુમારીએ ખેતરમાં ભરાતા પાણીની સમસ્યાને જ હથીયાર બનાવીને 2016માં જળ યોજના હેઠળ તંત્ર પાસેથી રૂ. બે લાખ લીધા થોડી ઘણી બચત અને સગાવ્હાલા પાસેથી નાણા ઉછીના લઈ માછલી પાલન શરૂ કર્યું 23 વીઘા જમીનમાં તળાવનું કામ શરૂ કરવામાં તેને રૂ.11 લાખનો ખર્ચ થયો હતો. થોડો નફો થવા લાગતા મહિલાના પુત્ર શૈલેન્દ્રની મદદથી ખેતીને વ્યાપારનું સ્વરૂપ આપી ખેતરમાં બનેલા તળાવ વચ્ચે એક વીઘા જમીનમાં ટાપુ બનાવ્યો આ ટાપુ પર કેરી, જામફળ, કેળા, કરમદા, પપૈયા, વગેરે ફળ અને ફૂલોના છોડ લગાવી બગીચો બનાવ્યો. પાણી વચ્ચે બનાવેલો આ ટાપુ ધીમેધીમે લોકોના આકર્ષણનુયં કેન્દ્ર બન્યો અને લોકો ફરવા મુલાકાત લેવા આવવા લાગ્યા ટાપુ જોવા આવતા લોકો તળાવમાં ‘બોટીંગ’ પણ કરવા લાગ્યા. મહિલાની તબીયત અસ્વસ્થ થતા હવે એ ટાપુની દેખભાળ તેનો પુત્ર શૈલેન્દ્ર હાલ કરે છે.
મહિલાના પુત્ર શૈલેન્દ્રસિંહ શું કહે છે ?
શૈલેન્દ્રસિંહે પોતાના ખેતરમા બનાવેલા તળાવ અને ‘ટાપુ’ અંગે વાત કરતા કહે છે કે તળાવમાં કન્નલ, નૈન, ચાઈનાફીશ, સીલન, ગ્રાસકટર અને સિલ્વર માછલીઓ છે માછલીપાલન અને ફળ વેચવાથી વર્ષે રૂ.20 થી 25 લાખની આવક થાય છે. જેમાંથી દર વર્ષે સાતેક લાખની ચોખ્ખી બચ્ચત થાય છે. શૈલેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતુ કે એક વર્ષ પહેલા ગૂગલ તરથી પત્ર આવ્યો હતો જેમાં અમે ખેતરમાં બનાવેલા તળાવ અને વચ્ચે બનાવેલા ટાપુ પર ફળો ફુલના બગીચાના સુંદર નજારાની પ્રશંસા કરી છે. ગૂગલના કર્મચારીઓએ સવેબસાઈટ પર ફોટા પણ અપલોડ કર્યા છે. ગૂગલે માતા કિરણબેનને એક સન્માનપત્ર આપીને સન્માન પણ કર્યું છે.