કેપ્ટને “ના-રાજીનામુ” આપી કોંગ્રેસને ચિત કરી દીધું!!!

પંજાબના રાજકારણના કિંગ ગણાતા અમરીંદર સિંઘની હવેની ચાલ ચારેય પક્ષને અસર કરશે : કોંગ્રેસને મોટી નુક્સાનીની આશંકા

અબતક, નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી પદેથી અમરીંદર સિંઘે ના-રાજીનામુ આપીને કોંગ્રેસને ચિત કરી નાખ્યું છે. કોંગ્રેસે કેપ્ટન પાસેથી રાજીનામુ આપીને જાણે પોતાને જ ડેમેજ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે કેપ્ટન પણ બાજી પલ્ટાવી નાખવાની ભૂમિકામાં હોય તેવું જણાઈ આવે છે.બીજી તરફ પંજાબના રાજકારણના કિંગ ગણાતા અમરીંદર સિંઘની હવેની ચાલ ચારેય પક્ષને અસર કરશે તે નક્કી છે.

કેપ્ટન અમરિંદર સિંઘના રાજીનામાના 24 કલાક બાદ આખરે પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું છે. કોંગ્રેસના દલિત નેતા ચરણજીત સિંઘ ચન્ની રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ચરણજીત સિંઘ ચન્ની સતત 3 ટર્મથી ચમકૌર સાહિબથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2007માં આઝાદ જીત્યા હતા. આ પછી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય બન્યા. તેઓ 2015થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને ટેકનિકલ શિક્ષણ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે અમને અમરિન્દર પર વિશ્વાસ નથી.

છેલ્લા ઘણા સમયથી પંજાબના રાજકારણમાં હલચલ મચી હતી. સોનિયા- રાહુલને અમરીંદર સિંઘનું વધતું જતું કદ ખૂંચવા લાગ્યું હતું. તેઓએ અમરીંદર સિંઘનું પત્તુ કાપવા માટે નવજોત સીધુને પ્યાદો બનાવ્યો હતો. જો કે બહારથી એવું લાગી રહ્યું હતું કે વિવાદ અમરીંદર સિંઘ અને નવજોત સીધું વચ્ચે ચાલી રહ્યો છે. પણ અંદરખાને આ વિવાદ તો સોનિયા- રાહુલ અને અમરીંદરસિંઘ વચ્ચેનો હતો. અંતે અમરીંદરનું રાજીનામુ પડ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ કોંગ્રેસમાં સુખજિંદર સિંહ રંધાવાના નામ પર સહમતિ બની ગઈ હતી પરંતુ નવજોત સિંહ સિદ્ધુને આ નામ રાજી નહોતા. નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ કર્યુ હતું પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે હાઇકમાન્ડે તેમની આ વાત માની નહોતી.ત્યારબાદ સિદ્ધુના જૂથે દલિત મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રી માટે કેપ્ટન સરકારમાં મંત્રી રહેલા ચરણજીત સિંઘ ચન્નીનું નામ સામે આવ્યું હતું. કેપ્ટન સામે બળવો કરનારા જૂથમાં ચન્ની પણ સામેલ હતા. સિદ્ધુએ ચન્નીનું નામ લીધા પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં સિદ્ધુને એવો મુખ્યમંત્રી જોઈએ છે કે જે તેમની વાત સાંભળે, પરંતુ સુખજિન્દર રંધાવા એ પ્રકારના નથી.

શીખની વ્યાપક વસ્તી વચ્ચે દલિત સમાજના મુખ્યમંત્રીને સ્વીકૃતિ મળશે ?

હાલની સ્થિતિને જોતા કોંગ્રેસના ઓબ્ઝર્વર અજય માકન, હરીશ ચૌધરી અને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યો પાસેથી ફીડબેક લઈ રહ્યાં છે. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે કોને મુખ્યમંત્રી પદે જોવા માગો છો? આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પરમિંદર પિંકીએ કહ્યું કે પંજાબ શીખ સ્ટેટ છે, તેથી અહીં કોઈ શીખ ચહેરાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ પછી હવે સુખવિંદર સિંહ રંધાવાની ઘરે ધારાસભ્યો ભેગા થવા લાગ્યા છે એટલે કે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવે છે. બીજી તરફ દલિત સમાજના મુખ્યમંત્રીને ધારાસભ્ય તથા પ્રજાની સ્વીકૃતિ મળશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.

નવા મુખ્યમંત્રીથી કોંગ્રેસનો ઘાટ સિંહ આવ્યો, પણ ગઢ ગયો જેવો!!

કોંગ્રેસ નવા મુખ્યમંત્રીને પંજાબનું સુકાન સોંપવા જઇ રહ્યું છે. જેને પગલે કોંગ્રેસનો ઘાટ સિંહ આવ્યો, પણ ગઢ ગયો જેવો થયો છે. કારણકે નવા મુખ્યમંત્રી બનતા કોંગ્રેસમાં નવો સિંહ આવશે. પણ તેની સામે પંજાબ અમરીંદર સિંઘનો ગઢ હોય, તેની પાસેથી મુખ્યમંત્રીનું પદ લઈ લેતા હવે આ ગઢ ગયો હોવાનું જણાય આવે છે. ટૂંકમાં હવે પંજાબમાં કોંગ્રેસનું જોર ઘટે તો નવાઈ ન કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.