ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની પહેલી બે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉત્સાહમાં હતા. અને સતત ત્રીજી મેચ જીતી સીરિઝ પર કબજો કરવા મેદાને ઉતર્યા હતાં ભારતીય બેટ્સમેનોએ હાઈસ્કોરિંગ લક્ષ્ય કાંગારૂઓને આપ્યો હતો પરંતુ ભારતની નબળી બોલિંગના પગલે ટીમનો પરાજય થયો હતો . સાથે ઓસ્ટ્રેલિયાએ હજુ પણ સિરીઝ જીવંત રાખી છે બાકી રહેતા બે મેચમાં જો ઓસ્ટ્રેલિયા એક મેચ જીતશે તો ફાઇનલ મેચ ખરા-ખરીનો જામશે.
ઋતુરાજની તોફાની સદી વિજય અપાવવામાં નિષ્ફળ : ભારતીય બોલરોનું નબળું પ્રદર્શન
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની ટી20 સીરીઝના ત્રીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી રોમાંચક જીત મેળવી છે. આ મેચ છેલ્લા બોલ સુધી ગયો હતો. મેચનો હીરો ગ્લેન મેક્સવેલ રહ્યો, જેણએ 48 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમીને આખી બાજી જ પલટી દીધી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં કાંગારુ ટીમે 5 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી હતી. મેક્સવેલ ઉપરાંત ટીમ તરફથી ટ્રેવિસ હેડે 35 અને કેપ્ટન મેથ્યૂ વેડે 28 નોટઆઉટ રનની ઈનિંગ રમી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી. જ્યારે અર્શદીપ સિંહ, આવેશ ખાન અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી મોંઘા સાબિત થયો તેણે પોતાની 4 ઓવરમાં 17ની રનરેટથી 68 રન આપ્યા, જ્યારે અર્શદીપે 44 રન આપ્યા.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 24 રનાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ 6 રને અને ઈશાન કિશન શૂન્ય પર આઉટ થયા હતા. જે બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોરચો સંભાળ્યો અને ગાયકવાડની સાથે મળીને 47 બોલમાં 57 રનની પાર્ટનરશિપ કરી. સૂર્યા 29 બોલમાં 39 રન કરીને આઉટ થયો. જે બાદ ગાયકવાડે બાજી સંભાળી અને તિલક વર્માની સાથે મળીને 59 બોલમાં 141 રનની પાર્ટનરશિપ કરી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. મેચમાં ગાયકવાડે 57 બોલમાં સૌથી વધુ 123 રનની અણનમ ઈનિંગ રમી. આ ટી20 ઈન્ટરનેશનલમાં તેની પહેલી સેન્ચુરી પણ છે. ગાયકવાડે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે તિલક વર્માએ 31 રન બનાવ્યા.
ટી20માં ‘ હિટમેન ‘ રોહિતની સદીની બરાબરી કરતો મેક્સવેલ
વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માની ટી ટ્વેન્ટીમાં ચાર સદીની બરાબરી ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે કરી છે. હાલ રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ 4-4 સદી ફટકારી છે. બાબર આઝમ, સબાવુન ડાવિઝી, કોલિન મુનરો અને સૂર્યકુમાર યાદવે 3-3 સદી ફટકારી છે. ગઈ કાલે મેકસવેલે 47 બોલમાં સદી ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.