પાકિસ્તાન સામે સેમી ફાઈનલમાં ભારત ટકરાશે ? બાંગ્લા.-પાક. મેચ પર મીટ
ઈન્ડિયન ક્રિકેટ ટીમ હાલ સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સાઉથ આફ્રિકામાં અંડર-૧૯ ક્રિકેટ વિશ્ર્વકપ જે રમાઈ રહ્યો છે તેમાં ભારતીય ટીમે સતત ગ્રુપ મેચ જીતી કવાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને માત આપી સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ ૭૪ રનથી જીતી છે જેમાં બોલર કાર્તિક ત્યાગી મેન ઓફ ધી મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો કે જેને ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે ભારતીય ટીમની ઓપનીંગ શરૂઆત થોડી નબળી રહી હતી જેમાં ટીમે ૫૪ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી ત્યારબાદ ઓપનર જયસ્વાલ અને અંકોલેકરે બાજી સંભાળી હતી અને ૫૦ ઓવરનાં અંતે ૨૩૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનાં જવાબમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૧૫૯ રન બનાવી પેવેલિયન પરત ફરી હતી.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પ્રથણ બોલ પર ફ્રેઝર મેકગર્ક રન આઉટ થયો હતો. ત્યારબાદ વિકેટ પતન શરૂ થયું હતું. ત્યાગીએ કેપ્ટન મેકકેન્ઝી હાર્વીને અંગત ચાર રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાને ત્યારબાદ વધુ એક ફટકો પડ્યો હતો અને લેચિન હાર્વી પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ ૧૭ રનના સ્કોર પર તો ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલર ત્યારબાદ થોડો સમય લાઈન લેન્થથી ભટકી ગયા હતા અને તેમણે ઓફ સ્ટંમ્પની બહાર બોલિંગ કરી હતી. જોકે, ઓપનર સેમ ફેનિંગ અને પેટ્રિક રોવે મળીને ઓસ્ટ્રેલિયાની બાજી સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. રોવ ૨૧ રન નોંધાવીને ત્યાગીનો ચોથો શિકાર બન્યો હતો.
જ્યારે સ્કોટ અને ફેનિંગે છઠ્ઠી વિકેટ માટે ૮૧ રન જોડીને ફરીથી લડત આપી હતી અને ઓસ્ટ્રેલિયાની આશા જીવંત રાખી હતી. સ્કોટે ૩૫ રન નોંધાવ્યા હતા. ફેનિંગે એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ રન રેટના કારણે દબાણ વધી ગયું હતું. અંતે તે ૧૨૭ બોલમાં ૭૫ રનની ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન વધારે સારું રહ્યું ન હતું. તેમાં પણ મિડલ ઓર્ડર બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે, લોઅર ઓર્ડરના બેટ્સમેનોના મહત્વના યોગદાનની મદદથી ભારત ૨૦૦ રનના સ્કોર સુધી પહોંચ્યું હતું. જેમાં અર્થલ અંકોલેકરે અણનમ ૫૫ રનની ઈનિંગ્સ રમી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે ટીમ માટે સૌથી વધુ ૬૨ રનની ઈનિંગ્સ રમી હતી. તેણે ૮૨ બોલનો સામનો કર્યો હતો જેમાં આઠ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
જ્યારે અન્ય ઓપનર દિવ્યાંશ સક્સેના ફક્ત ૧૪ રન નોંધાવ્યા હતા અને ૩૫ રનના સ્કોર પર ટીમે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. લોઅર ઓર્ડરમાં રવિ બિશ્નોઈએ પણ ૩૧ બોલમાં ૩૦ રન ફટકારીને ટીમના સ્કોરમાં ઉપયોગી યોગદાન આપી હતી. જ્યારે સિદ્ધેશ વીરે ૨૫ રનનું યોગદાન આપ્યું હતું.