નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ બેઠક એનસીપી ચૂંટણી લડશે: કાંધલ અને રેશ્માને મેન્ડેટ નહિ મળે
કોંગ્રેસ અને એનસીપી રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન ધરાવે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ બંને રાજકીય પક્ષો દ્વારા ગઠબંધન પર સહમતિ દર્શાવવામાં આવી છે. રાજ્યની નરોડા વિધાનસભા બેઠક, દેવગઢ બારીયા વિધાનસભા બેઠક અને ઉમરેઠ વિધાનસભા બેઠક પર એનસીપીના ઉમેદવારો ચૂંટણી લડશે. બાકીની 179 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. દરમિયાન સૌરાષ્ટ્રની કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા અને ગોંડલ બેઠક પરથી રેશ્મા પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ બંનેએ અગાઉ એનસીપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હોય તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ બંનેમાંથી કોઇને પણ એનસીપીનું મેન્ડેટ આપવામાં આવશે નહિ.
ગઇકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોક્સી વચ્ચેની બેઠક બાદ બંને રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધનની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એનસીપીને ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડનાર ઉમેદવારને એનસીપીનું મેન્ડેટ આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ગઠબંધનના ભાગરૂપે એનસીપીને પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક ફાળવવામાં આવતી હતી અને આ બેઠક પરથી છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજા એનસીપીના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યા છે.
આ વખતે કાંધલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે પરંતુ જે રીતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું તેના પરથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે કાંધલને એનસીપીનું મેન્ડેટ નહિ મળે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંધલે ભાજપ સમર્પિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હોવાનું પ્રકાશમાં આવતા તેની એનસીપીમાંથી આડકતરી રીતે હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ નાથાભાઇ ઓડેદરાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે જ એવી અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટી રહ્યું છે. જો કે હવે બંને પક્ષો વચ્ચે ગઠબંધન ચોક્કસ થયું છે પરંતુ કુતિયાણા બેઠક માટે કોઇ સમજૂતિ થઇ નથી. બીજી તરફ ગઇકાલે ગોંડલ વિધાનસભા બેઠક પરથી એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલે ફોર્મ ભર્યું હોય તેઓને પણ હવે એનસીપી મેન્ડેટ નહી આપે તેવું સ્પષ્ટ થયું ગયું છે.